ગલાતીઓને પત્ર ૪
૧હવે હું કહું છું કે, વારસ જ્યાં સુધી બાળક છે, ત્યાં સુધી સર્વનો માલિક છે; તે છતાં પણ તેનામાં અને દાસમાં કંઈ પણ તફાવત નથી.
૨પણ પિતાએ ઠરાવેલી મુદત સુધી તે વાલીઓ તથા કારભારીઓને આધીન છે.
૩તે પ્રમાણે આપણે પણ જયારે બાળક હતા, ત્યારે જગતના તત્વોને આધીન દાસત્વમાં હતા.
૪પણ સમયની સંપૂર્ણતાએ, ઈશ્વરે સ્ત્રીથી જન્મેલો અને નિયમશાસ્ત્રને આધીન જન્મેલો, એવો પોતાનો પુત્ર એવા હેતુથી મોકલ્યો,
૫કે જેઓ નિયમશાસ્ત્રના દાસત્વમાં હતા તેઓને તે મુક્ત કરાવે, જેથી આપણે તેમના દત્તક સંતાનો તરીકે સ્વીકારાઈએ.
૬તમે દીકરા છો, તે માટે ઈશ્વરે તમારા હૃદયમાં પોતાના દીકરાનો આત્મા મોકલ્યો છે, જે ‘પિતા, અબ્બા’, તેવું કહીને પોકારે છે.
૭એ માટે હવેથી તું દાસ નથી, પણ દીકરો છે; અને જો તું દીકરો છે, તો ઈશ્વરને આશરે વારસ પણ છે.
૮પણ પહેલાં જયારે તમે ઈશ્વરને જાણતા નહોતા, ત્યારે જેઓ વાસ્તવમાં દેવો નથી તેઓની સેવા તમે કરતા હતા.
૯પણ હવે તમે ઈશ્વરને ઓળખ્યા છે, અથવા સાચું એ છે કે ઈશ્વરે તમને ઓળખ્યા છે, તો આ નબળા તથા નિર્માલ્ય જેવા તત્વોના દાસત્વની ફરીથી ઇચ્છા રાખીને, તેઓની તરફ બીજી વાર શા માટે પાછા ફરો છો?
૧૦તમે ખાસ દિવસો, મહિનાઓ, તહેવારો તથા વર્ષોનાં પર્વો પાળો છો.
૧૧તમારે વિષે મને ભય રહે છે કે, રખેને તમારા માટે કરેલો મારો શ્રમ કદાચ વ્યર્થ જાય.
૧૨ઓ ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે, તમે મારા જેવા થાઓ, કેમ કે હું તમારા જેવો થયો છું; તમે મારો કંઈ અન્યાય કર્યો નથી.
૧૩પણ તમે જાણો છો કે, શરીરની નિર્બળતામાં મેં પહેલાં તમને સુવાર્તા પ્રગટ કરી.
૧૪અને મારા શરીરમાં જે તમને પરીક્ષણરૂપ હતું, તેનો તિરસ્કાર કે તુચ્છકાર તમે કર્યો નહિ; પણ જાણે કે હું ઈશ્વરનો સ્વર્ગદૂત હોઉં, વળી ઈસુ ખ્રિસ્ત હોઉં, તેવી રીતે તમે મારો સ્વીકાર કર્યો.
૧૫તો પછી તમે મારી જે કદર કરી હતી તે હવે ક્યાં ગઈ? કેમ કે તમારે વિષે મને ખાતરી છે કે, જો બની શકત, તો તે સમયે તમે તમારી આંખો પણ કાઢીને મને આપી હોત!
૧૬ત્યારે શું તમને સાચું કહેવાને લીધે હું તમારો દુશ્મન થયો છું?
૧૭તેઓ તમને પોતાના કરી લેવા ઇચ્છે છે પણ તે સારું કરવા માટે નહિ, તેઓ તમને મારાથી વિખૂટાપાડવા ઇચ્છે છે કે જેથી તમે તેઓને અનુસરો.
૧૮તમે સારાં કામને માટે હંમેશા ખંત રાખો તે સારું છે અને પણ તે માત્ર હું તમારી પાસે હાજર હોઉં એટલા પૂરતું જ ન હોવું જોઈએ.
૧૯હે મારાં બાળકો, ઈસુ ખ્રિસ્તની પ્રતિમા તમારામાં ઉત્પન્ન થાય, ત્યાં સુધી તમારે માટે મને ફરીથી પ્રસૂતાને થતી હોય એવી પીડા થાય છે,
૨૦પણ હમણાં તમારી પાસે હાજર થવાની અને મારી બોલવાની પધ્ધતિ બદલવાની મને ઇચ્છા થાય છે, કેમ કે તમારે વિષે હું મૂંઝવણ અનુભવું છું.
૨૧નિયમશાસ્ત્રને આધીન રહેવાની ઇચ્છા રાખનારાઓ, મને કહો કે, શું તમે નિયમશાસ્ત્ર સાંભળતાં નથી?
૨૨કેમ કે એમ લખેલું છે કે, ઇબ્રાહિમને બે દીકરા હતા, એક દાસી દ્વારા જન્મેલો અને બીજો પત્ની દ્વારા જન્મેલો.
૨૩જે દાસીનો તે મનુષ્યદેહ પ્રમાણે જન્મેલો હતો અને જે પત્નીનો તે વચન પ્રમાણે જન્મેલો હતો.
૨૪તેઓ તો નમૂનારૂપ છે કેમ કે તે સ્ત્રીઓ જાણે બે કરારો છે; એક તો સિનાઈ પહાડ પરનો, કે જે દાસત્વને જન્મ આપે છે અને તે તો હાગાર દાસી છે.
૨૫હવે હાગાર તો જાણે અરબસ્તાનમાંનો સિનાઈ પહાડ છે, તે હાલનાં યરુશાલેમને લાગુ પડે છે, કેમ કે તે પોતાનાં સંતાનો સાથે દાસત્વમાં છે.
૨૬પણ ઉપરનું યરુશાલેમ સ્વતંત્ર છે, તે આપણી માતા છે;
૨૭કેમ કે લખેલું છે કે, ‘હે નિ:સંતાન, સ્ત્રી તું આનંદ કર; જેને પ્રસૂતિની પીડા થતી નથી, તે તું હર્ષનાદ કર; કેમ કે જેને પતિ છે તેના કરતાં એકલી મુકાયેલી સ્ત્રીનાં સંતાન વધારે છે.’”
૨૮હવે, હે ભાઈઓ, આપણે ઇસહાકની જેમ વચનનાં સંતાનો છીએ.
૨૯પણ તે સમયે જેમ દેહથી જન્મેલાંએ આત્માથી જન્મેલાંને સતાવ્યો; તેવું અત્યારે પણ ચાલે છે.
૩૦પણ શાસ્ત્રવચન શું કહે છે? ‘દાસીને તથા તેના દીકરાને કાઢી મૂક, કેમ કે દાસીનો દીકરો પત્નીના દીકરા સાથે વારસ બનશે નહિ.’”
૩૧તેથી, ભાઈઓ, આપણે દાસીનાં સંતાનો નથી, પણ પત્નીનાં છીએ.
