લેવી ૪
૧યહોવાહે મૂસાને કહ્યું કે,
૨“ઇઝરાયલના લોકોને કહે, ‘જે કૃત્યો કરવાની યહોવાહે મના કરી છે તે ન કરવા તેનું પાલન કરે, જો કોઈ વ્યક્તિ અજાણતા મારી આજ્ઞાઓનું ઉલ્લંઘન કરે તેને માટે આ નિયમો છે.
૩જો પ્રમુખ યાજક પાપ કરીને લોકો પર દોષ મૂકે, તો જે પાપ તેણે કર્યું હોય તેને લીધે પાપાર્થાર્પણને સારુ તે યહોવાહ પ્રત્યે ખોડખાંપણ વગરનો એક જુવાન બળદ ચઢાવે.
૪તે બળદને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે યહોવાહની આગળ લાવે અને બળદના માથા પર પોતાનો હાથ મૂકીને તેને યહોવાહની સમક્ષ કાપે.
૫અભિષિક્ત યાજક તે બળદના રક્તમાંથી કેટલુંક લઈને મુલાકાતમંડપમાં લાવે.
૬યાજક પોતાની આંગળી તે રક્તમાં બોળીને તેમાંથી યહોવાહની આગળ પરમપવિત્રસ્થાનના પડદાની સામે સાત વાર છાંટે.
૭સુવાસિત દહનીયાર્પણની વેદી મુલાકાતમંડપમાં યહોવાહની આગળ છે તેનાં શિંગ પર યાજક તે રક્તમાંથી ચોપડે અને જે યજ્ઞવેદી મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે છે તેના થડમાં બળદનું સઘળું રક્ત તે રેડી દે.
૮તેણે પાપાર્થાર્પણના બળદની બધી ચરબી કાઢી લેવી; આંતરડાં પરની અને તેની આસપાસની ચરબી,
૯બે મૂત્રપિંડો તથા તેની પરની કમર પાસેની ચરબી અને કલેજા પરનું અંતરપડ મૂત્રપિંડો સુદ્ધાં તેણે કાઢી લેવું.
૧૦જેમ તે શાંત્યર્પણના યજ્ઞના બળદમાંથી કાઢી લેવાય છે તેમ, યાજક દહનીયાર્પણની વેદી પર તેઓનું દહન કરે.
૧૧બળદનું ચામડું, તેનું બાકીનું માંસ, તેનું માથું, તેના પગ, તેનાં આંતરડા તથા તેનું છાણ,
૧૨બળદનો બાકીનો ભાગ, તે છાવણીની બહાર કોઈ સ્વચ્છ જગ્યાએ, એટલે રાખ નાખવાની જગ્યાએ લાકડાં સળગાવીને તેને બાળી મૂકે. જ્યાં રાખ નાખવામાં આવે છે ત્યાં તેને બાળી નાખવામાં આવે.
૧૩જો સમગ્ર ઇઝરાયલની પ્રજા અજાણતાં પાપ કરીને, તે બાબત સમુદાયની નજરથી ગુપ્ત રહેલી હોય અને જે કૃત્યો કરવાની યહોવાહે મના કરેલી છે તેમાંનું કોઈ કૃત્ય કરીને તેઓ દોષિત થયા હોય,
૧૪તો જ્યારે જે પાપ તેઓએ કર્યુ હોય તેની જાણ પડે ત્યારે સમુદાય પાપાર્થાર્પણને માટે એક જુવાન બળદ ચઢાવે અને તેને મુલાકાતમંડપની આગળ લાવે.
૧૫સભાના વડીલો યહોવાહની આગળ તે બળદના માથા પર પોતાના હાથ મૂકે અને યહોવાહની સમક્ષ તે બળદ કપાય.
૧૬અભિષિક્ત યાજક તે બળદનું થોડું રક્ત મુલાકાતમંડપમાં લાવે.
૧૭યાજક પોતાની આંગળી તે રક્તમાં બોળીને યહોવાહની સમક્ષ સાત વાર પડદા પર છાંટે.
૧૮જે વેદી યહોવાહની સમક્ષ મુલાકાતમંડપમાં છે તેના શિંગ પર તે રક્તમાંથી થોડું રક્ત રેડે અને બાકીનું બધું રક્ત મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળની દહનીયાર્પણની વેદીનાં પાયામાં રેડી દેવું.
૧૯તેણે બળદની બધી ચરબી કાઢી લઈને વેદી પર બાળી મૂકવી.
૨૦એ બળદને તે આ પ્રમાણે કરે. પાપાર્થાર્પણના બળદની જેમ જ તેણે એ બળદનું પણ કરવું અને યાજક લોકોને માટે પ્રાયશ્ચિત કરે અને તેઓને માફ કરવામાં આવશે.
૨૧તે બળદને છાવણીની બહાર લઈ જાય અને જેમ તેણે પહેલા બળદને બાળી નાખ્યો હતો તેમ એને પણ બાળી દે. તે આખી પ્રજાને માટે પાપાર્થાર્પણ છે.
૨૨જ્યારે કોઈ અધિકારી પાપ કરીને જે બધાં કૃત્યો કરવાની તેના ઈશ્વર યહોવાહે મના કરીને આજ્ઞા આપી છે તેમાંનું કોઈ પાપ અજાણે કરીને દોષિત ઠરે,
૨૩ત્યારે જો જે પાપ વિષે તે દોષિત થયો હોય તેની તેને જાણ કરવામાં આવે, તો તે એક બકરાનું એટલે એક ખોડખાંપણ વગર વગરના નરનું અર્પણ લાવે.
૨૪બકરાના માથા પર તે પોતાનો હાથ મૂકીને જ્યાં યહોવાહની સમક્ષ દહનીયાર્પણ કપાય છે ત્યાં તે તેને કાપે. આ પાપાર્થાર્પણ છે.
૨૫યાજક પોતાની આંગળી વડે પાપાર્થાર્પણના રક્તમાંનું લઈને દહનીયાર્પણની વેદીનાં શિંગ પર તે લગાડે અને બાકીનું રક્ત યજ્ઞવેદીના પાયામાં રેડી દે.
૨૬શાંત્યર્પણના યજ્ઞની ચરબીની જેમ તેની બધી ચરબીનું દહન કરે. તેના પાપને લીધે યાજક તેને માટે પ્રાયશ્ચિત કરે, એટલે તેને ક્ષમા કરવામાં આવશે.
૨૭જે કૃત્યો કરવાની યહોવાહે મના કરી છે તેમાંનું કોઈ પણ પાપ કરીને કોઈ સામાન્ય માણસ અજાણતા પાપ કરે અને જો તે દોષમાં પડે,
૨૮તો જો, જે પાપ વિષે તે દોષિત થયો હોય તેની તેને જાણ કરવામાં આવે, તો તે એક ખોડખાંપણ વગરની બકરીનું અર્પણ લાવે, જે પાપ વિષે તે દોષિત થયો હોય તેને લીધે તે લાવે.
૨૯તે પોતાના હાથ પાપાર્થાર્પણના માથા પર મૂકે અને દહનીયાર્પણની જગ્યાએ પાપાર્થાર્પણને કાપે.
૩૦યાજક પોતાની આંગળી વડે તેના રક્તમાંનું થોડું રક્ત લઈને દહનીયાર્પણની વેદીનાં શિંગ પર તે લગાડે અને બાકીનું બધું જ રક્ત વેદીના પાયામાં રેડી દે.
૩૧જેમ શાંત્યર્પણના યજ્ઞની ચરબી કાઢી લેવામાં આવે છે તેમ તેની બધી ચરબી તે કાઢી લે. યાજક યહોવાહ પ્રત્યે સુવાસને માટે વેદી પર તેનું દહન કરે. યાજક તેને માટે પ્રાયશ્ચિત કરે, એટલે તેને ક્ષમા કરવામાં આવશે.
૩૨જો કોઈ માણસ પાપાર્થાર્પણને માટે હલવાનનું અર્પણ લાવે તો તે ખોડખાંપણ વગરની નારી લાવે.
૩૩તે પોતાનો હાથ પાપાર્થાર્પણના માથા પર મૂકે અને જ્યાં દહનીયાર્પણ કપાય છે, ત્યાં તે જગ્યાએ પાપાર્થાર્પણને માટે તેને કાપે.
૩૪યાજક પોતાની આંગળી વડે પાપાર્થાર્પણના રક્તમાંનું થોડું રક્ત લઈને દહનીયાર્પણની વેદીનાં શિંગ પર લગાડે અને બાકીનું બધું રક્ત વેદીના પાયામાં રેડી દે.
૩૫જેમ શાંત્યર્પણના યજ્ઞમાંથી હલવાનની ચરબી કાઢી લેવામાં આવે છે તેમ તેની બધી ચરબી તે કાઢી લે અને યાજક યહોવાહના હોમયજ્ઞોની રીત પ્રમાણે વેદી પર તેઓનું દહન કરે. જે પાપ વિષે તે દોષિત થયો હોય તેને લીધે યાજક તેને માટે પ્રાયશ્ચિત કરે અને તે માણસને માફ કરવામાં આવશે.
