Skip to content
Methodist Church Nadiad

લૂક ૫

100%

હવે એમ થયું કે ઘણાં લોકો ઈસુ પર પડાપડી કરીને ઈશ્વરના વચનને સાંભળતાં હતા, ત્યારે ગન્નેસારેતના સરોવરને કિનારે તે ઊભા રહ્યા હતા.

તેમણે સરોવરને કિનારે ઊભેલી બે હોડી જોઈ, પણ માછીમારો તેઓ પરથી ઊતરીને જાળો ધોતા હતા.

તે હોડીઓમાંની એક સિમોનની હતી, ઈસુ તે હોડીમાં ગયા. અને તેને કિનારેથી થોડે દૂર હડસેલવાનું કહ્યું. પછી તેમણે હોડીમાં બેસીને લોકોને બોધ કર્યો.

ઉપદેશ સમાપ્ત કર્યા પછી ઈસુએ સિમોનને કહ્યું કે, ‘હોડીને ઊંડા પાણીમાં જવા દો, અને માછલાં પકડવા સારુ તમારી જાળો નાખો.’”

સિમોને ઉત્તર આપ્યો કે, ‘ગુરુ, અમે આખી રાત મહેનત કરી, પણ કશું પકડાયું નહિ, તોપણ તમારા કહેવાથી હું જાળ નાખીશ.’”

તેઓએ જાળ નાખી તો માછલાંનો મોટો જથ્થો પકડાયો અને તેઓની જાળ તૂટવા લાગી.

તેઓના ભાગીદાર બીજી હોડીમાં હતા તેઓને તેઓએ ઇશારો કર્યો કે, તેઓ આવીને તેમને મદદ કરે; અને તેઓએ આવીને બન્ને હોડીઓ માછલાંથી એવી ભરી કે તેઓની હોડીઓ ડૂબવા લાગી.

તે જોઈને સિમોન પિતરે ઈસુના પગ આગળ પડીને કહ્યું કે, ‘ઓ પ્રભુ, મારી પાસેથી જાઓ. કેમ કે હું પાપી માણસ છું.’”

કેમ કે તે તથા તેના સઘળા સાથીઓ માછલાંનો જે જથ્થો પકડાયો હતો, તેથી આશ્ચર્ય પામ્યા હતા.

૧૦તેમાં ઝબદીના દીકરા યાકૂબ તથા યોહાન, જેઓ સિમોનના ભાગીદાર હતા, તેઓને પણ આશ્ચર્ય થયું. ઈસુએ સિમોનને કહ્યું કે, ‘બીશ નહિ કારણ કે, હવેથી તું માણસો પકડનાર થશે.’”

૧૧તેઓ હોડીઓને કિનારે લાવ્યા પછી બધું મૂકીને ઈસુની પાછળ ચાલ્યા.

૧૨એમ થયું કે ઈસુ શહેરમાં હતા, ત્યારે જુઓ, એક કુષ્ઠ રોગી માણસ ત્યાં હતો; તે ઈસુને જોઈને તેમના પગે પડ્યો અને તેમને વિનંતી કરતાં બોલ્યો, ‘પ્રભુ, જો તમે ઇચ્છો તો મને શુદ્ધ કરી શકો છો.’”

૧૩ઈસુએ હાથ લાંબો કર્યો, અને તેને સ્પર્શ કરીને કહ્યું કે, ‘હું ચાહું છું, તું શુદ્ધ થા.’ અને તરત તેનો કુષ્ઠ રોગ મટી ગયો.

૧૪ઈસુએ તેને આજ્ઞા કરી કે, ‘તારે કોઈને કહેવું નહિ, પણ મૂસાએ ફરમાવ્યા પ્રમાણે સાક્ષી તરીકે જઈને પોતાને યાજકને બતાવ, ને તારા શુદ્ધિકરણને લીધે, તેઓને માટે અર્પણ ચઢાવ.’”

૧૫પણ ઈસુના સંબંધીની વાતો વધારે પ્રમાણમાં ફેલાઈ, અને અતિ ઘણાં લોકો તેનું સાંભળવા સારુ તથા પોતાના રોગમાંથી સાજાં થવા સારુ તેમની પાસે ભેગા થતાં હતા.

૧૬પણ ઈસુ પોતે એકાંતમાં અરણ્યમાં જઈ પ્રાર્થના કરતા.

૧૭એક દિવસ ઈસુ બોધ કરતા હતા, ત્યારે ફરોશીઓ તથા શાસ્ત્રીઓ ગાલીલના ઘણાં ગામોમાંથી, યહૂદિયાથી તથા યરુશાલેમથી આવીને ત્યાં બેઠા હતા, અને બીમારને સાજાં કરવા સારુ ઈશ્વરનું પરાક્રમ ઈસુની પાસે હતું.

૧૮જુઓ, કેટલાક માણસો લકવાગ્રસ્તથી પીડાતી એક વ્યક્તિને ખાટલા પર લાવ્યા, તેને ઈસુની પાસે લઈ જઈને તેમની આગળ મૂકવાનો તેઓએ પ્રયત્ન કર્યો;

૧૯પણ ભીડને લીધે તેને અંદર લઈ જવાની જગ્યા ન હોવાથી તેઓ છાપરા પર ચઢ્યાં. ત્યાંથી છાપરામાં થઈને તે રોગીને ખાટલા સાથે ઈસુની આગળ ઉતાર્યો.

૨૦ઈસુએ તેઓનો વિશ્વાસ જોઈને તેને કહ્યું કે, ‘હે માણસ, તારાં પાપ તને માફ થયાં છે.’”

૨૧તે સાંભળીને શાસ્ત્રીઓ તથા ફરોશીઓ અંદરોઅંદર વિચાર કરીને કહેવા લાગ્યા કે, ‘આ દુર્ભાષણ કરનાર કોણ છે? એકલા ઈશ્વર સિવાય બીજું કોણ પાપની માફી આપી શકે છે?’”

૨૨ઈસુએ તેઓના વિચાર જાણીને તેઓને જવાબ આપ્યો કે, ‘તમે પોતાના મનમાં શા પ્રશ્નો કરો છો?

૨૩વધારે સહેલું કયું છે, ‘તારાં પાપ તને માફ થયાં છે,’ એમ કહેવું કે, ‘ઊઠીને ચાલ્યો જા, એમ કહેવું?’”

૨૪પણ પૃથ્વી પર માણસના દીકરાને પાપ માફ કરવાનો અધિકાર છે, એ તમે જાણો માટે, તેમણે લકવાગ્રસ્ત માણસને કહ્યું કે હું તને કહું છું કે ‘ઊઠ તારો ખાટલો ઊંચકીને તારે ઘરે જા.’”

૨૫તરત તે તેઓની આગળ ઊઠીને જે પર તે સૂતો હતો તે ખાટલાને ઊંચકીને ઈશ્વરનો મહિમા કરતો પોતાને ઘરે ગયો.

૨૬સઘળા આશ્ચર્ય પામ્યા, તેઓએ ઈશ્વરનો મહિમા કર્યો; અને તેઓએ ભયભીત થઈને કહ્યું કે, ‘આજે આપણે અજાયબ વાતો જોઈ છે.’”

૨૭ત્યાર પછી ઈસુ ત્યાંથી રવાના થયા, ત્યારે લેવી નામે એક દાણીને ચોકી પર બેઠેલો જોઈને ઈસુએ કહ્યું કે, ‘મારી પાછળ આવ.’”

૨૮અને તે સઘળું મૂકીને, તેમની પાછળ ગયો.

૨૯લેવીએ પોતાને ઘરે ઈસુને માટે મોટો સત્કાર સમારંભ યોજ્યો. દાણીઓ તથા બીજાઓનું મોટું જૂથ તેમની સાથે જમવા બેઠું હતું.

૩૦ફરોશીઓએ તથા તેઓના શાસ્ત્રીઓએ તેમના શિષ્યોની વિરુદ્ધ બડબડાટ કરીને કહ્યું કે, ‘તમે દાણીઓ તથા પાપીઓની સાથે કેમ ખાઓ પીઓ છો?’”

૩૧ઈસુએ તેઓને ઉત્તર આપતાં કહ્યું કે, ‘જેઓ તંદુરસ્ત છે તેઓને વૈદની અગત્ય નથી, પણ જેઓ બિમાર છે તેઓને છે;

૩૨ન્યાયીઓને નહિ, પણ પાપીઓને પસ્તાવાને સારુ બોલાવવા હું આવ્યો છું.’”

૩૩તેઓએ તેને કહ્યું કે, ‘યોહાનના શિષ્યો અને ફરોશીઓના શિષ્યો ઉપવાસ તથા પ્રાર્થના કરે છે, પણ તમારા શિષ્યો ખાય અને પીવે છે.’”

૩૪ઈસુએ તેઓને કહ્યું કે, ‘વરરાજા જાનૈયાઓની સાથે છે, ત્યાં સુધી તેઓની પાસે તમે ઉપવાસ કરાવી શકો છો શું?

૩૫પણ એવા દિવસો આવશે કે વરરાજાને તેઓની પાસેથી લઈ લેવામાં આવશે ત્યારે તે દિવસોમાં તેઓ ઉપવાસ કરશે.’”

૩૬ઈસુએ તેઓને એક દ્રષ્ટાંત પણ કહ્યું કે,’ નવા વસ્ત્રમાંથી કટકો ફાડીને કોઈ માણસ જૂના વસ્ત્રને થીંગડું મારતું નથી; જો લગાવે તો તે નવાને ફાડશે, વળી નવામાંથી લીધેલું થીંગડું જૂનાને મળતું નહિ આવે.

૩૭તે જ રીતે નવો દ્રાક્ષારસ જૂની મશકોમાં કોઈ ભરતું નથી, જો ભરે તો નવો દ્રાક્ષારસ મશકોને ફાડી નાખશે, અને પોતે ઢળી જશે અને મશકોનો નાશ થશે.

૩૮પણ નવો દ્રાક્ષારસ નવી મશકોમાં ભરવો જોઈએ.

૩૯વળી જૂનો દ્રાક્ષારસ પીધા પછી કોઈ નવો દ્રાક્ષારસ માગતો નથી, કેમ કે તે કહે છે કે. જૂનો સારો છે.’”

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.