Skip to content
Methodist Church Nadiad

માથ્થી ૧૬

100%

ફરોશીઓએ તથા સદૂકીઓએ આવીને ઈસુનું પરીક્ષણ કરતાં સ્વર્ગથી કોઈ ચમત્કારિક ચિહ્ન કરી બતાવવાની માંગણી કરી.

પણ તેમણે ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, “સાંજ પડે છે ત્યારે તમે કહો છો કે ‘હવામાન સારું થશે, કેમ કે આકાશ લાલ છે.’”

સવારે તમે કહો છો કે, ‘આજે વરસાદ પડશે, કેમ કે આકાશ લાલ તથા અંધરાયેલું છે.’ તમે આકાશનું રૂપ પારખી જાણો છો ખરા, પણ સમયોના ચિહ્ન તમે પારખી નથી શકતા.

દુષ્ટ તથા બેવફા પેઢી ચમત્કારિક ચિહ્ન માગે છે, પણ યૂનાના ચમત્કારિક ચિહ્ન વગર બીજું કોઈ ચમત્કારિક ચિહ્ન તેઓને અપાશે નહિ.” ત્યાર પછી ઈસુ તેઓને મૂકીને ચાલ્યા ગયા.

શિષ્યો સરોવરને પેલે પાર ગયા, પરંતુ તેઓ રોટલી લેવાનું ભૂલી ગયા હતા.

ઈસુએ તેઓને કહ્યું કે, “ફરોશીઓના તથા સદૂકીઓના ખમીર વિષે તમે સાવધાન થાઓ અને સચેત રહો.”

ત્યારે તેઓએ પરસ્પર વિચાર કર્યો કે, “આપણે રોટલી નથી લાવ્યા માટે ઈસુ એમ કહે છે.”

ઈસુએ તેમના વિચાર જાણીને તેઓને કહ્યું કે, “ઓ અલ્પવિશ્વાસીઓ, તમારી પાસે રોટલી નથી તે માટે તમે પરસ્પર કેમ વિચારો છો?

શું હજી સુધી તમે નથી સમજતા? પેલા પાંચ હજાર પુરુષ માટે પાંચ રોટલી હતી અને તમે કેટલી ટોપલી ઉઠાવી, તેનું શું તમને સ્મરણ નથી?

૧૦વળી પેલા ચાર હજાર પુરુષ માટે સાત રોટલી હતી અને તમે કેટલી ટોપલી ઉઠાવી, તેનું પણ શું તમને સ્મરણ નથી?

૧૧તમે કેમ નથી સમજતા કે મેં તમને રોટલી સંબંધી કહ્યું નહોતું, પણ ફરોશીઓના તથા સદૂકીઓના ખમીર વિષે તમે સાવધાન રહો એમ મેં કહ્યું હતું.”

૧૨ત્યારે તેઓ સમજ્યા કે રોટલીના ખમીર સંબંધી નહિ, પરંતુ ફરોશીઓના તથા સદૂકીઓના ઉપદેશ વિષે સાવધાન રહેવાનું તેમણે કહ્યું હતું.

૧૩ઈસુએ કાઈસારિયા ફિલિપ્પીના વિસ્તારમાં આવીને પોતાના શિષ્યોને પૂછ્યું કે, “માણસનો દીકરો કોણ છે, એ વિષે લોકો શું કહે છે?”

૧૪ત્યારે તેઓએ કહ્યું કે, “કેટલાક કહે છે, યોહાન બાપ્તિસ્મા કરનાર, કેટલાક એલિયા, કેટલાક યર્મિયા, અથવા પ્રબોધકોમાંના એક.”

૧૫ઈસુએ તેઓને પૂછ્યું, “પણ હું કોણ છું, તે વિષે તમે શું કહો છો?”

૧૬ત્યારે સિમોન પિતરે જવાબ આપતાં કહ્યું કે, “તમે ખ્રિસ્ત, જીવતા ઈશ્વરના દીકરા છો.”

૧૭ઈસુએ જવાબ આપતાં સિમોન પિતરને કહ્યું કે, સિમોન યૂનાપુત્ર, “તું આશીર્વાદિત છે કેમ કે માંસે તથા લોહીએ નહિ, પણ સ્વર્ગમાંના મારા પિતાએ તને એ જણાવ્યું છે.

૧૮હું પણ તને કહું છું કે તું પિતર છે અને આ પથ્થર પર હું મારી મંડળી સ્થાપીશ, તેની વિરુદ્ધ પાતાળની સત્તાનું જોર ચાલશે નહીં.

૧૯આકાશના રાજ્યની ચાવીઓ હું તને આપીશ, પૃથ્વી પર જે કંઈ તું બાંધીશ, તે સ્વર્ગમાં બંધાશે; અને પૃથ્વી પર તું જે કંઈ છોડીશ, તે સ્વર્ગમાં પણ છોડાશે.”

૨૦તે ખ્રિસ્ત છે તેવું કોઈને પણ નહિ જણાવવા ઈસુએ તેના શિષ્યોને આજ્ઞા આપી.

૨૧ત્યારથી માંડીને ઈસુ પોતાના શિષ્યોને જણાવવાં લાગ્યા કે, તેણે યરુશાલેમમાં જવું પડશે. વડીલો, મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓને હાથે ઘણું દુઃખ સહન કરવું પડશે, માર્યો જશે અને ત્રીજે દિવસે પાછા મૃત્યુમાંથી સજીવન થશે.

૨૨પિતર તેમને એક બાજુ પર લઈ જઈને ઠપકો દેવા લાગ્યો અને કહ્યું કે, “અરે પ્રભુ, એ તમારાથી દૂર રહે; એવું તમને કદાપિ ન થાઓ.”

૨૩પણ તેમણે પાછળ ફરીને પિતરને કહ્યું કે, “અરે શેતાન, મારી પછવાડે જા! તું મને અડચણરૂપ છે; કેમ કે ઈશ્વરની વાતો પર નહિ, પણ માણસોની વાતો પર તું મન લગાડે છે.”

૨૪પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, “જો કોઈ મને અનુસરવા ચાહે, તો તેણે પોતાનો નકાર કરવો અને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું.

૨૫કેમ કે જે કોઈ પોતાનું જીવન બચાવવા ચાહે છે, તે તેને ગુમાવશે; પણ જે કોઈ મારે લીધે પોતાનું જીવન ગુમાવશે, તે તેને બચાવશે.

૨૬કેમ કે જો માણસ આખું ભૌતિક જગત મેળવે અને પોતાનું જીવન ગુમાવે, તો તેને શો લાભ થશે? વળી માણસ પોતાના જીવનને બદલે શું આપશે?

૨૭કેમ કે માણસનો દીકરો પોતાના પિતાના મહિમામાં પોતાના સ્વર્ગદૂતો સહિત આવશે, ત્યારે તે દરેકને તેમના કાર્યો પ્રમાણે બદલો ભરી આપશે.

૨૮હું તમને નિશ્ચે કહું છું કે, અહીં જેઓ ઊભા છે તેઓમાંના કેટલાક એવા છે કે જે માણસના દીકરાને તેના રાજ્યમાં આવતો દેખશે ત્યાં સુધી મરણ પામશે જ નહિ.”

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.