Skip to content
Methodist Church Nadiad

નિર્ગમન ૨૬

100%

વળી તું દશ પડદાનો મંડપ બનાવજે. આ પડદા ઝીણા કાંતેલા શણના અને નિપુણ વણકરોના વણેલા વસ્ત્રના અને ભૂરા, કિરમજી તથા જાંબલી પડદા તૈયાર કરજે. એ પડદાઓ ઉપર જરીથી કળામય રીતે કરુબો ભરાવજે.

પ્રત્યેક પડદો અઠ્ઠાવીસ હાથ લાંબો અને ચાર હાથ પહોળો હોય; બધા જ પડદા એક સરખા માપના હોય.

પાંચ પડદા એકબીજા સાથે જોડાય અને બીજા પાંચ પડદા પણ એકબીજા સાથે જોડાય.

પહેલા સમૂહના પડદા પર જાંબુડિયા રંગના વસ્ત્રનાં નાકાં મૂકાવજે. બીજા સમૂહના છેલ્લા પડદા પર પણ એવું જ કરજે.

પહેલા સમૂહના પડદામાં તું પચાસ નાકાં બનાવજે અને બીજા સમૂહના પડદામાં પચાસ નાકાં બનાવજે તે નાકાં એકબીજાની સામસામાં આવવાં જોઈએ.

પછી સોનાની પચાસ કડીઓ બનાવજે અને તેઓ વડે તું પડદાને એકબીજા સાથે જોડી દેજે. એટલે એક આખો મંડપ બનશે.

આ પવિત્ર મંડપ ઉપર તંબુ બનાવવા માટે તું બકરાંના વાળના વસ્ત્રના અગિયાર પડદા તૈયાર કરજે.

એ અગિયાર પડદા એક સરખા માપના હોવા જોઈએ. દરેક પડદો ત્રીસ હાથ લાંબો અને ચાર હાથ પહોળો હોય.

એમાંના પાંચ પડદાને એક સાથે સીવીને સળંગ એક પડદો બનાવજે. બાકીના છ પડદાને ભેગા સીવીને બીજો પડદો બનાવજે. એમાંનો છઠ્ઠો પડદો તંબુના પ્રવેશદ્વાર ઉપર બેવડો વાળજે.

૧૦અને સમૂહનો જે છેલ્લો પડદો છે તેની બાજુએ પચાસ નાકાં અને બીજા પડદાની બાજુએ પચાસ નાકાં બનાવજે.

૧૧અને પિત્તળની પચાસ કડીઓ બનાવજે અને તેને પેલા નાકાંમાં પરોવી બન્ને પડદાને જોડી દઈને એક સળંગ તંબુ બનાવજે.

૧૨અને તંબુ પરથી વધારાનો લટકતો રહેતો ભાગ મંડપના પાછલા ભાગ પર લટકતો રાખજે.

૧૩તંબુની બન્ને બાજુએ પડદાઓ તંબુના છેડેથી એક હાથ નીચા રહેશે. આથી આ તંબુ પવિત્ર મંડપને સંપૂર્ણ રીતે આચ્છાદન કરશે.

૧૪તંબુ માટે ઘેટાંના લાલ રંગેલાં ચામડાંનું બીજું આચ્છાદન બનાવજે અને તેના પર ઢાંકવા માટે મુલાયમ ચામડાનું આચ્છાદન બનાવજે.

૧૫પવિત્રમંડપના ટેકા માટે તું બાવળનાં પાટિયાં બનાવીને ઊભા મૂકજે.

૧૬પ્રત્યેક પાટિયું દસ હાથ લાંબું અને દોઢ હાથ પહોળું હોય.

૧૭પ્રત્યેક પાટિયામાં એકબીજાની સાથે જોડાયેલાં બે સાલ હોય; પવિત્ર મંડપની બધી જ બારસાખો સરખી હોવી જોઈએ.

૧૮પવિત્ર મંડપની દક્ષિણની બાજુ માટે વીસ પાટિયાં બનાવજે.

૧૯અને પ્રત્યેક પાટિયાનાં બે સાલને બેસાડવા માટે તેની નીચે બે કૂંભી એમ ચાંદીની કુલ ચાલીસ કૂંભીઓ બનાવજે.

૨૦એ જ પ્રમાણે મંડપની ઉત્તરની બાજુ માટે પણ વીસ પાટિયાં,

૨૧ચાંદીની ચાળીસ કૂંભીઓ બનાવજે, જેથી દરેક પાટિયાં નીચે બબ્બે કૂંભી આવે.

૨૨મુલાકાતમંડપની પશ્ચિમ તરફના પાછળના ભાગ માટે છ પાટિયાં બનાવજે.

૨૩અને મંડપના પાછળના ભાગના બે ખૂણાને માટે તું બે પાટિયાં બનાવજે.

૨૪આ ખૂણા પરનાં પાટિયાં નીચેથી એકબીજા સાથે બંધ બેસતાં હોય અને છેક ઉપર એક કડી બધાં પાટિયાંને સાથે રાખે. બન્ને ખૂણાઓમાં એમ કરવું. બે ખૂણા માટેનાં બે પાટિયાં આ રીતે બનાવજે એટલે બે ખૂણા બની જશે.

૨૫આમ, આઠ પાટિયાં અને ચાંદીની સોળ કૂંભી થશે. પ્રત્યેક પાટિયાં નીચે બબ્બે કૂંભીઓ રાખજે.

૨૬વળી તું બાવળના લાકડાની આડી વળીઓ બનાવજે. પવિત્ર મંડપની એક બાજુનાં પાટિયાને માટે પાંચ ભૂંગળો બનાવજે.

૨૭પવિત્ર મંડપની બીજી બાજુનાં પાટિયાં માટે પાંચ ભૂંગળો, તેમ જ પશ્ચિમ તરફથી પાછલી બાજુ માટે પાંચ ભૂંગળો.

૨૮વચલી વળી પાટિયાની વચ્ચે તંબુના એક છેડાથી બીજા છેડા સુધી આવે.

૨૯વળી પાટિયાંને સોનાથી મઢાવજે અને રીંગને ભેરવવા માટે તેમાં સોનાનાં કડાં બેસાડવાં અને રીંગને પણ તું સોનાથી મઢાવજે.

૩૦તને પવિત્ર મંડપનો જે નમૂનો મેં પર્વત પર બતાવ્યો છે તે પ્રમાણે તું પવિત્ર મંડપ ઊભો કરજે.

૩૧તું ભૂરા, કિરમજી અને લાલ ઊનનો અને ઝીણા કાંતેલા શણનો એક ખાસ પડદો તંબુમાં ભાગ પાડવા માટે બનાવજે. એના ઉપર જરી વડે કલામય રીતે કરુબોની આકૃતિઓ ભરાવજે.

૩૨અને તું તેને સોનાથી મઢેલા બાવળના ચાર સ્તંભ પર લટકાવજે, તેઓને સોનાની આંકડીઓ અને તેઓની કૂંભીઓ ચાંદીની હોઈ.

૩૩એ આંકડીઓ નીચે તું પડદો લટકાવજે. અને કરારનો તકતીઓવાળો કરારકોશ એ પડદા પાછળ મૂકજે. એ પડદો પવિત્રસ્થાનને પરમ પવિત્રસ્થાનથી જુદું પાડશે.

૩૪પરમ પવિત્રસ્થાનમાં કરારકોશ પર આચ્છાદન કરજે.

૩૫પવિત્ર જગ્યાની અંદર પડદાની પેલી બાજુએ જે ખાસ મેજ બનાવ્યું છે તે મૂકજે અને તેને તંબુની ઉત્તર બાજુએ ગોઠવજે. પછી દીવીને દક્ષિણ તરફ બાજઠની સામે મૂકજે.

૩૬વળી, તું પવિત્ર મંડપના પ્રવેશદ્વાર માટે ભૂરા, કિરમજી અને લાલ ઊનનો અને ઝીણા કાંતેલા શણનો જરી વડે સુંદર ભરતકામ કરેલો પડદો બનાવજે.

૩૭અને એ પડદા માટે બાવળના લાકડાની સોનાથી મઢેલી અને સોનાની કડીવાળી પાંચ થાંભલી બનાવજે અને એ થાંભલીઓ માટે પિત્તળની ઢાળેલી પાંચ કૂંભીઓ બનાવજે.

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.