Skip to content
Methodist Church Nadiad

ઉત્પત્તિ ૩

100%

હવે યહોવાહ ઈશ્વરે ઉત્પન્ન કરેલાં સર્વ પ્રાણીઓમાં સાપ સૌથી વધારે ધૂર્ત હતો. તેણે સ્ત્રીને કહ્યું કે, “શું ઈશ્વરે ખરેખર તમને એવું કહ્યું છે કે, ‘વાડીના કોઈપણ વૃક્ષનું ફળ તમારે ન ખાવું?’

સ્ત્રીએ સાપને કહ્યું કે, “વાડીના વૃક્ષોનાં ફળ અમે ખાઈ શકીએ છીએ,

પણ ઈશ્વરે કહેલું છે કે, જે વૃક્ષ વાડીની મધ્યમાં છે તેનું ફળ ‘તમારે ખાવું નહિ કે અડકવું નહિ. જો ખાશો તો તમે મૃત્યુ પામશો.””

સાપે સ્ત્રીને કહ્યું કે, “તમે મૃત્યુ નહિ પામો.

કેમ કે ઈશ્વર જાણે છે કે જે દિવસે તમે તેને ખાશો તે જ દિવસે તમારી આંખો ઉઘડી જશે અને તમે ઈશ્વરો સમાન સારું શું અને નરસું શું છે તે સમજનારાં થશો.”

તે વૃક્ષનું ફળ ખાવામાં સ્વાદિષ્ટ, જોવામાં સુંદર અને તે જ્ઞાન આપવાને ઇચ્છવાજોગ છે, એવું જાણીને સ્ત્રીએ તે ફળ તોડીને ખાધું અને તેની સાથે તેનો પતિ હતો તેને પણ આપ્યું. તેણે પણ ફળ ખાધું.

ત્યારે તેઓ બન્નેની આંખો ઉઘડી ગઈ અને તેઓ સમજ્યા કે અમે વસ્ત્રહીન છીએ. તેથી તેઓએ અંજીરનાં પાંદડાં જોડીને પોતાને માટે આવરણ બનાવ્યાં.

દિવસના ઠંડા પહોરે વાડીમાં પ્રભુ ઈશ્વરનો ચાલવાનો અવાજ તેઓના સાંભળવામાં આવ્યો, તેથી તે માણસ તથા તેની પત્ની પોતાને પ્રભુ ઈશ્વરના સાનિધ્યથી દૂર રાખવા માટે વાડીના વૃક્ષોની વચમાં સંતાયાં.

યહોવાહ ઈશ્વરે આદમને હાંક મારી કે, “તું ક્યાં છે?”

૧૦આદમે કહ્યું કે, “મેં વાડીમાં તમારો અવાજ સાંભળ્યો અને હું ગભરાયો. કેમ કે હું વસ્ત્રહીન છું. તેથી હું સંતાઈ ગયો.”

૧૧ઈશ્વરે કહ્યું, “તને કોણે કહ્યું કે, તું નિવસ્ત્ર છે? જે ફળ ન ખાવાની મેં તને આજ્ઞા આપી હતી, તે ફળ તેં ખાધું છે શું?”

૧૨તે માણસે કહ્યું કે, “મારી સહાયકારી તરીકે જે સ્ત્રી તમે મને આપી હતી તેણે મને ફળ આપ્યું અને મેં ખાધું.”

૧૩યહોવાહ ઈશ્વરે તે સ્ત્રીને કહ્યું, “આ તેં શું કર્યું?” સ્ત્રીએ કહ્યું કે, “સાપે મને છેતરી. તેથી મેં ફળ ખાધું.”

૧૪યહોવાહ ઈશ્વરે સાપને કહ્યું કે, “તેં આ કૃત્ય કર્યું છે, તેથી તું સર્વ ગ્રામ્યપશુઓ તથા વનપશુઓની વચ્ચે હવે શાપિત છે. તું પેટે ચાલશે અને પોતાના જીવનના સર્વ દિવસો સુધી તારે ધૂળ ખાવી પડશે.

૧૫તારી અને સ્ત્રીની વચ્ચે તથા તારા સંતાનની અને તેના સંતાનની વચ્ચે હું વૈર કરાવીશ. તે તારું માથું છૂંદશે અને તું તેની એડીએ ડંખ મારશે.”

૧૬વળી યહોવાહ ઈશ્વરે સ્ત્રીને કહ્યું કે, “હું તારી ગર્ભવસ્થાનું દુઃખ ઘણું જ વધારીશ અને તું દુઃખે બાળકને જન્મ આપીશ. તું તારા પતિને માટે ઝંખીશ, પણ તે તારા પર અધિકાર ચલાવશે.”

૧૭તેમણે આદમને કહ્યું, “કેમ કે તેં તારી પત્નીની વાત માની લીધી છે અને જે સંબંધી મેં તને આજ્ઞા આપી હતી, ‘તારે તે ન ખાવું’ તે વૃક્ષનું ફળ તેં ખાધું. તેથી તારા એ કૃત્યથી ભૂમિ શાપિત થઈ છે. તેમાંથી તું તારા આયુષ્યનાં સર્વ દિવસોમાં પરિશ્રમ કરીને ખોરાક મેળવશે.

૧૮ભૂમિ તારે માટે કાંટા તથા ઝાંખરાં ઉગાવશે અને તું ખેતરનું શાક ખાશે.

૧૯તું ભૂમિમાં પાછો જશે ત્યાં સુધી તું તારા મોંના પરસેવાથી રોટલી ખાશે કેમ કે તું તેમાંથી લેવાયો હતો. કેમ કે તું ધૂળ છે અને પાછો ધૂળમાં ભળી જશે.”

૨૦તે માણસે તેની પત્નીનું નામ હવા પાડ્યું કેમ કે તે સમગ્ર માનવોની માતા થવાની હતી.

૨૧યહોવાહ ઈશ્વરે આદમ તથા તેની પત્ની માટે પશુઓનાં ચર્મનાં વસ્ત્ર બનાવ્યાં અને તેઓને પહેરાવ્યાં.

૨૨પ્રભુ ઈશ્વરે કહ્યું કે, “હવે તે માણસ આપણામાંના એકના જેવો સારું અને નરસું જાણનાર થયો છે. તેથી હવે રખેને તે હાથ લાંબો કરીને જીવનના વૃક્ષનું ફળ ખાય અને અમર થઈ જાય.”

૨૩તે માટે જે જમીનમાંથી તેનું સર્જન કરાયું હતું, તે ખેડવાને, પ્રભુ ઈશ્વરે તેને એદન વાડીમાંથી બહાર કાઢી મૂક્યો.

૨૪ઈશ્વરે તે માણસને વાડીમાંથી દૂર કર્યો અને જીવનના વૃક્ષની સીમાને સાચવવા તેમણે એદન વાડીની પૂર્વગમ અગ્નિરૂપી તલવાર સાથે કરુબોને ચોકીદાર તરીકે ગોઠવ્યા.

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.