અયૂબ ૩૭
૧નિશ્ચે મારું હૃદય ધ્રૂજે છે; તે તેની જગ્યાએથી ખસી જાય છે.
૨તેમના મુખમાંથી નીકળતા અવાજ, ધ્યાનથી સાંભળો.
૩આખા આકાશને તે વીજળીથી ઝળકાવે છે, અને પૃથ્વીની દરેક દિશાઓ સુધી મોકલે છે.
૪તેમની પાછળ અવાજ થાય છે; તે ગર્જનાથી તેમની ભવ્યતાનો અવાજ કરે છે; જ્યારે વીજળી ચમકે છે, ત્યારે તેમનો અવાજ સંભળાય છે.
૫ઈશ્વર અદ્દભુત રીતે તેમનો અવાજ કરે છે; તેમનાં મહાન કૃત્યો આપણે સમજી શકતા નથી.
૬તેમણે બરફને કહ્યું, ‘પૃથ્વી પર પડો’ તે જ રીતે વરસાદને વરસવાનું, અને ‘પૃથ્વી પર મુશળધાર વરસાદ આપવાની આજ્ઞા કરે છે.’
૭આ રીતે તેઓ સર્વ માણસોને કામ કરતા અટકાવે છે, કે જેથી તેમનું સર્જન કરેલા લોકો તેમનું પરાક્રમ સમજે.
૮ત્યારે પશુઓ સંતાઈ જાય છે અને તેઓની ગુફામાં ભરાઈ જાય છે.
૯દક્ષિણ દિશામાંથી ચક્રવાત આવે છે, અને ઉત્તર દિશામાંથી ઠંડા પવન સાથે ઠંડી આવે છે.
૧૦ઈશ્વરના શ્વાસથી હિમ થાય છે; અને સમુદ્રો ધાતુની માફક થીજી જાય છે.
૧૧ખરેખર, તે ભારે વાદળોને પાણીથી ભરી દે છે; અને વાદળોમાં તે વીજળીઓને ચમકાવે છે.
૧૨તેઓ વાદળોને આખી પૃથ્વી પર ચારેતરફ વિખેરી નાખે છે, જેમ તેઓને આજ્ઞા આપવામાં આવે છે તે પ્રમાણે કરે છે.
૧૩લોકોને શિક્ષા કરવા સારુ, તો કોઈ સમયે તેમની પૃથ્વીને માટે, અને કોઈ સમયે કરારના વિશ્વાસુપણાના કાર્યને માટે, ઈશ્વર આ પ્રમાણે સર્વ થવા દે છે.
૧૪હે અયૂબ, આ વાત પર લક્ષ આપ; જરા થોભ અને ઈશ્વરનાં આશ્ચર્યકારક કાર્યોનો વિચાર કર.
૧૫ઈશ્વર વાદળોને કેવી રીતે નિયંત્રણમાં રાખે છે, અને વાદળોમાંથી વીજળીને કેવી રીતે ચમકાવે છે એ શું તું જાણતો નથી?
૧૬વાદળો કેવી રીતે હવામાં સમતોલ રહે છે, જે ડહાપણમાં સંપૂર્ણ છે અને ઈશ્વરનાં આશ્ચર્યકારક કાર્યો, તે શું તું જાણે છે?
૧૭તને જ્યારે પરસેવો થાય ત્યારે તારાં વસ્ત્રો તારી ચામડીને ચોંટી જાય છે. અને જ્યારે દક્ષિણ દિશામાંથી હૂંફાળો પવન વાય છે ત્યારે બધું શાંત અને સૂમસામ થઈ જાય છે તે શું તું સમજે છે?
૧૮જેમ તેમણે આકાશ વિસ્તાર્યાં છે તેમ, તમે કરી શકો છો? આકાશને ચમકતા કરેલા પિત્તળની જેમ ચમકીલુ બનાવી શકો છો?
૧૯અમારે શું કહેવું તે અમને શીખવ, કારણ કે અમે અમારા મનના અંધકારને લીધે તેમની સાથે દલીલો કરી શકતા નથી.
૨૦શું હું ઈશ્વરને કહીશ કે મારી ઇચ્છા તેની સાથે વાત કરવાની હતી? શું કોઈ માણસ ઇચ્છે કે તેનો નાશ થાય?
૨૧જ્યારે પવન આકાશને ચોખ્ખું કરે છે ત્યારે એટલું બધું અજવાળું થાય છે કે લોકો સૂર્ય સામે જોઈ શક્તા નથી.
૨૨તે જ રીતે આકાશમાંથી આપણી ઉપર આવતા અને આંખોને આંજી દેતા ઈશ્વરની ભવ્યતા સામે પણ આપણે જોઈ શક્તા નથી.
૨૩સર્વશક્તિમાન ઈશ્વર મહાન છે! આપણે તેમને સમજી શકતા નથી; તેઓ મહા પરાક્રમી અને ન્યાયી છે. તેઓ આપણને નુકસાન પહોંચાડતા નથી.
૨૪તેથી લોકો તેમનાથી ડરે છે. “પણ જેઓ પોતાની જાતને જ્ઞાની માને છે, તેવા લોકોને ઈશ્વર ગણકારતા નથી.”
