Skip to content
Methodist Church Nadiad

યહોશુઆ ૭

100%

પણ ઇઝરાયલના લોકો શાપિત વસ્તુ વિષે અપરાધ કરીને તે પ્રત્યે અવિશ્વાસુ સાબિત થયા. કેમ કે યહૂદાના કુળના ઝેરાહના પુત્ર ઝાબ્દીના પુત્ર કાર્મીના પુત્ર આખાને શાપિત વસ્તુઓમાંથી કેટલીક લઈ લીધી. તેથી યહોવાહનો કોપ ઇઝરાયલના લોકો પર સળગી ઊઠ્યો.

બેથ-આવેન પાસે, બેથેલની પૂર્વ તરફ આય નગર છે, ત્યાં યહોશુઆએ યરીખોથી માણસોને મોકલ્યા અને તેણે તેઓને કહ્યું કે, “તમે જઈને તે દેશની જાસૂસી કરો.” તેથી માણસોએ જઈને આયની જાસૂસી કરી.

તેઓ યહોશુઆ પાસે પાછા આવ્યા અને તેઓએ તેને કહ્યું કે, “સર્વ લોકોને આયમાં મોકલવા નહિ. માત્ર બે કે ત્રણ હજાર પુરુષોને મોકલ કે તેઓ જઈને આય પર હુમલો કરે. બધા લોકોને લડાઈમાં જવાની તકલીફ આપીશ નહિ. કારણ કે તેઓ સંખ્યામાં બહુ ઓછા છે.”

માટે લોકોમાંથી લગભગ ત્રણ હજાર પુરુષો ગયા, પણ આયના માણસોએ તેઓને નસાડ્યા.

અને આયના માણસોએ તેઓમાંથી આશરે છત્રીસ માણસોને માર્યા, ભાગળ આગળથી શબારીમ સુધી તેઓની પાછળ દોડીને પર્વત ઊતરવાની જગ્યા આગળ તેઓને માર્યા. તેથી લોકોનાં હૃદય ભયભીત થયાં અને તેઓ નાહિંમત થયા.

પછી યહોશુઆએ પોતાનાં વસ્ત્ર ફાડયાં, તેણે અને ઇઝરાયલના વડીલોએ પોતાના માથા પર ધૂળ નાખી અને સાંજ સુધી તેઓ યહોવાહનાં કોશ આગળ, ભૂમિ પર પડી રહ્યાં.

ત્યારે યહોશુઆ બોલ્યો, ‘અરે! હે પ્રભુ યહોવાહ, અમને અમોરીઓના હાથમાં સોંપીને અમારો નાશ કરવા સારુ તમે આ લોકોને યર્દન પાર કેમ લાવ્યા? અમે યર્દનની પેલે પાર રહેવાનો નિર્ણય કર્યો હોત તો કેવું સારું!

હે પ્રભુ, ઇઝરાયલે પોતાના શત્રુ સામે પીઠ ફેરવી દીધી છે, હવે હું શું બોલું?

માટે કનાનીઓ અને દેશના સર્વ રહેવાસીઓ તે વિષે સાંભળશે. તેઓ અમને ચારેબાજુથી ઘેરી લેશે અને પૃથ્વી પરથી અમારો નાશ થશે. પછી તમે તમારા મહાન નામ વિષે શું કરશો?”

૧૦યહોવાહે યહોશુઆને કહ્યું કે, ઊઠ! એમ શા માટે નીચે પડી રહ્યો છે?

૧૧ઇઝરાયલે પાપ કર્યું છે. તેઓએ જે કરાર મેં તેઓને ફરમાવ્યો હતો તેનું ઉલ્લંઘન કર્યું છે. શાપિત વસ્તુમાંથી કેટલીક લઈ પણ લીધી છે અને ચોરી તથા બંડ પણ કર્યું છે. વળી પોતાના સામાનની મધ્યે તેઓએ તે સંતાડ્યું છે.

૧૨એ કારણથી, ઇઝરાયલના લોકો પોતાના શત્રુઓ આગળ ટકી શક્યા નહી, તેઓએ પોતાના શત્રુઓ સામે પીઠ ફેરવી છે, તેથી તેઓ શાપિત થયા છે. જે શાપિત વસ્તુ હજુ સુધી તમારી પાસે છે, તેનો જો તમે નાશ નહિ કરો તો હું તમારી સાથે કદી રહીશ નહી.

૧૩ઊઠ! લોકોને શુદ્ધ કર અને કહે, આવતીકાલને માટે તમે પોતાને શુદ્ધ કરો. કારણ કે ઇઝરાયલનો પ્રભુ યહોવાહ કહે છે, હે ઇઝરાયલ, તારી મધ્યે એક શાપિત વસ્તુ કાઢી નહિ નાખે, ત્યાં સુધી તું તારા શત્રુ આગળ ટકી શકનાર નથી.

૧૪તેથી સવારમાં, પોતપોતાનાં કુળ પ્રમાણે તમે પોતાને રજૂ કરો. પછી એમ થશે કે, જે કુળને યહોવાહ ચિઠ્ઠીથી પકડે, તે કુટુંબવાર આગળ આવે. તેમાંથી યહોવાહ જે કુટુંબને પકડે તેનું પ્રત્યેક ઘર આગળ આવે. જે ઘરનાંને યહોવાહ પકડે તે ઘરનાં પુરુષો એક પછી એક આગળ આવે.

૧૫એમ થાય કે જે વસ્તુ શાપિત છે તે જેની પાસેથી પકડાશે તે પુરુષને તથા તેના સર્વસ્વને બાળી નાંખવામાં આવશે. કારણ કે તેણે યહોવાહનો કરાર તોડયો છે અને ઇઝરાયલમાં શરમજનક મૂર્ખાઈ કરી છે.’”

૧૬અને સવારે વહેલા ઊઠીને યહોશુઆએ ઇઝરાયલને, તેઓના કુળ પ્રમાણે ક્રમવાર રજૂ કર્યા ત્યારે યહૂદાનું કુળ પકડાયું.

૧૭તે યહૂદાના કુળને આગળ લાવ્યો, તેમાંથી ઝેરાહીઓનું કુટુંબ પકડાયું. પછી તે ઝેરાહીઓનાં કુટુંબમાંથી એક પછી એક વ્યક્તિને આગળ લાવ્યો ત્યારે તેમાંથી ઝાબ્દી પકડાયો.

૧૮તેના ઘરનાં પુરુષોને ક્રમવાર આગળ બોલાવાયા ત્યારે યહૂદાના કુળમાંથી ઝેરાહના પુત્ર, ઝાબ્દીના પુત્ર કાર્મીનો પુત્ર આખાન પકડાયો.

૧૯ત્યારે યહોશુઆએ આખાનને કહ્યું, “મારા દીકરા, ઇઝરાયલના પ્રભુ યહોવાહની આગળ સાચું બોલ અને તેમની સ્તુતિ કર. તેં જે કર્યું છે તે હવે મને કહે. મારાથી કશું છાનું રાખીશ નહી.”

૨૦અને આખાને યહોશુઆને ઉત્તર આપ્યો, “ખરેખર, ઇઝરાયલના પ્રભુ, યહોવાહની વિરુદ્ધ મેં પાપ કર્યું છે. મેં જે કર્યું તે આ છે:

૨૧લૂંટમાંથી એક સારો શિનઆરી જામો, 2 કિલો 300 ગ્રામ ચાંદી, 575 ગ્રામ વજનવાળું સોનાનું એક પાનું લેવાની લાલચ મને થઈ. આ બધું મેં મારા તંબુની મધ્યે જમીનમાં સંતાડેલું છે; ચાંદી સૌથી નીચે છુપાવી છે.”

૨૨યહોશુઆએ સંદેશાવાહક મોકલ્યા, તેઓ તંબુએ ગયા. તેઓએ જોયું તો બધું તંબુમાં સંતાડાયેલું હતું અને ચાંદી સૌથી નીચે હતી.”

૨૩અને તેઓ તંબુમાંથી એ બધી વસ્તુઓ યહોશુઆની તથા સર્વ ઇઝરાયલ લોકોની પાસે લાવ્યા. તેઓએ તે બધું યહોવાહની આગળ મૂક્યું.

૨૪અને યહોશુઆ તથા સર્વ ઇઝરાયલ, ઝેરાહના પુત્ર આખાનને તથા ચાંદી, જામો, સોનાનું પાનું, આખાનના દીકરા અને દીકરીઓ, બળદો, ગધેડાં, ઘેટાં, તંબુ, અને તેના સર્વસ્વને, આખોરની ખીણમાં લઈ ગયા.

૨૫પછી યહોશુઆએ કહ્યું, “તેં અમને કેમ હેરાન કર્યા છે? આજે યહોવાહ તને હેરાન કરશે.” અને સર્વ ઇઝરાયલીઓએ તેને પથ્થરે માર્યો. તેઓએ બધાંને અગ્નિમાં બાળ્યાં અને પથ્થરથી માર્યાં.

૨૬અને તેઓએ તેના પર પથ્થરનો મોટો ઢગલો કર્યો જે આજ સુધી છે. ત્યારે યહોવાહ પોતાના ક્રોધનો જુસ્સો શાંત કર્યો. તે માટે તે સ્થળનું નામ ‘આખોર ની ખીણ’ એવું પડયું જે આજ સુધી છે.

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.