Skip to content
Methodist Church Nadiad

લેવી ૧૪

100%

યહોવાહે મૂસાને કહ્યું,

“જે કોઈ કુષ્ટરોગથી મુક્ત થયો હોય તેની શુદ્ધિકરણનો નિયમ આ પ્રમાણે છે. તેને યાજક પાસે લાવવો.

યાજકે છાવણીની બહાર જઈને તેની તપાસ કરવી કે જો રોગ મટી ગયો હોય,

તો યાજકે જેની શુદ્ધિ કરવાની છે તે માણસને શુદ્ધ એવાં બે જીવતાં પક્ષીઓ, દેવદારનું થોડું લાકડું, કિરમજી રંગનું કાપડ તથા ઝુફા લાવવાને આજ્ઞા આપવી.

યાજકે એક પક્ષીને વહેતાં પાણીની ઉપર રાખેલા માટીના વાસણમાં કાપવાની આજ્ઞા કરવી.

પછી યાજકે જીવતા રહેલા બીજા પક્ષીને, દેવદારનું લાકડું, કિરમજી કાપડ તથા ઝુફો લઈને ઝરાના પાણી ઉપર કાપેલા પક્ષીના રક્તમાં બોળવાં.

જે કુષ્ટરોગમાંથી માણસની શુદ્ધિ કરવાની હોય તેના પર તેણે સાત વાર રક્ત છાંટી તેને શુદ્ધ કરવો. પછી પેલા જીવતા પક્ષીને યાજકે ખુલ્લાં ખેતરમાં છોડી મૂકવું.

જે માણસનું શુદ્ધિકરણ કરવાનું હોય તે પોતાના વસ્ત્રો ધોઈ નાખે, પોતાના સર્વ વાળ મૂંડાવે તથા પાણીમાં સ્નાન કરે અને પછી તે શુદ્ધ થયો ગણાય. પછી તે છાવણીમાં રહેવા માટે પાછો ફરે, પરંતુ સાત દિવસ પર્યંત તેણે પોતાના તંબુની બહાર રહેવું.

સાતમે દિવસે તેણે પોતાના માથાના સર્વ વાળ, દાઢીના તથા પોતાના ભમરના તેમ જ શરીર પરના બીજા બધા વાળ મૂંડાવી નાખવા. તેણે પોતાના વસ્ત્રો ધોઈ નાખવાં અને પાણીમાં સ્નાન કરવું, પછી તે રોગથી સંપૂર્ણ રીતે શુદ્ધ થયો એવું જાહેર થાય.

૧૦આઠમે દિવસે તેણે એક વર્ષની ઉંમરના ખામી વગરનાં બે નરઘેટાં, એક વર્ષની ખામી વગરની ઘેટી, ખાદ્યાર્પણને માટે તેલમાં મોહેલો ત્રણ દશાંશ એફાહ મેંદાનો લોટ તથા એક માપ તેલ લેવું.

૧૧શુદ્ધિની વિધિ કરાવનાર યાજકે જેની શુદ્ધિ કરવાની છે તે વ્યક્તિને તેના અર્પણો સાથે મુલાકાતમંડપના પ્રવેશદ્વારે યહોવાહ સમક્ષ રજૂ કરવો.

૧૨પછી યાજક નર હલવાનોમાંથી એકને લઈને દોષાર્થાર્પણ ને માટે તેને તથા પેલા માપ તેલને ચઢાવે અને યહોવાહની સમક્ષ તેઓનું અર્પણ કરે.

૧૩તેણે એ ઘેટાના બચ્ચાંને જે પવિત્ર સ્થળે પાપાર્થાર્પણને તથા દહનીયાર્પણના હલવાનને કાપવામાં આવે છે ત્યાં કાપવો. પાપાર્થાર્પણની માફક દોષાર્થાર્પણ યાજકને આપી દેવું, કેમ કે તે પરમપવિત્ર અર્પણ છે.

૧૪પછી યાજકે આ દોષાર્થાર્પણનું રક્ત લઈને જે માણસ શુદ્ધ થયો છે તેના જમણા કાનની બુટ્ટી પર, જમણા હાથના અંગૂઠા પર તથા જમણા પગના અંગૂઠા પર લગાવવું.

૧૫પછી યાજકે સાથે લાવેલા તેલમાંથી થોડું પોતાના ડાબા હાથના પંજા પર રેડવું.

૧૬તેણે જમણા હાથની આંગળી તેમાં બોળવી અને યહોવાહની સમક્ષ સાત વખત તે તેલનો છંટકાવ કરવો.

૧૭યાજક હથેળીમાં રહેલા તેલમાંથી થોડું લઈને જેની શુદ્ધિ કરવાની હોય તે માણસના જમણા કાનની બુટ્ટી, જમણા હાથ તથા જમણા પગના અંગૂઠા પર જ્યાં પહેલાં દોષાર્થાર્પણનું રક્ત લગાડ્યું હતું ત્યાં લગાડવું.

૧૮યાજકના હાથમાંનું બાકીનું તેલ તેણે જે વ્યક્તિની શુદ્ધિ કરવી હોય તેના માથા પર લગાડીને યહોવાહ સમક્ષ તેને માટે પ્રાયશ્ચિત કરવું.

૧૯પછી યાજકે પાપાર્થાર્પણ ચઢાવવું અને જેની અશુદ્ધતામાંથી શુદ્ધિ કરવાની હોય, તે માણસની પ્રાયશ્ચિત વિધિ કરવી અને ત્યાર પછી તે દહનીયાર્પણના પશુને મારી નાખવું.

૨૦પછી યાજકે વેદીની અગ્નિ પર દહનીયાર્પણ તથા ખાદ્યાર્પણ બાળવા અને તે વ્યક્તિ માટે પ્રાયશ્ચિત કરવું અને ત્યારે તે વ્યક્તિ શુદ્ધ થઈ જશે.

૨૧તેમ છતાં, જો તે માણસ ગરીબ હોય અને આ બધું ચઢાવી શકે એમ ના હોય, તો તેણે માત્ર એક જ ઘેટો દોષાર્થાર્પણ તરીકે લાવવો અને યહોવાહની સમક્ષ રજૂ કરવો. યાજકે તેને તે માણસના પ્રાયશ્ચિત માટે અર્પણ ચઢાવવું અને તે તેને શુદ્ધ કરશે. તેણે ખાદ્યાર્પણ તરીકે ફક્ત તેલથી મોહેલો એક દશાંશ એફોદ મેંદાનો લોટ તથા એક માપ તેલ લેવું.

૨૨તથા બે હોલા કે કબૂતરનાં બે બચ્ચાં, તે લાવી શકે તેમ હોય તે લાવવાં, તેઓમાંનું એક પાપાર્થાર્પણ માટે અને બીજું દહનીયાર્પણ માટે.

૨૩આઠમે દિવસે યાજક પાસે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ તે યહોવાહની સમક્ષ પોતાના શુદ્ધિકરણની વિધિને માટે આ પક્ષીઓને સાથે લાવે.

૨૪પછી યાજક ઘેટાનાં બચ્ચાંને દોષાર્થાર્પણ તરીકે લે તથા તેલ પણ લે અને વેદી આગળ યહોવાહની સમક્ષ તે તેઓનું અર્પણ કરે.

૨૫તે દોષાર્થાર્પણ માટેના ઘેટાંને કાપી નાખે અને તેનું થોડું રક્ત લઈ જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તે વ્યક્તિના જમણા કાનની બુટ્ટી તથા તેના જમણા હાથના અને જમણા પગના અંગૂઠા પર લગાવે.

૨૬પછી યાજકે થોડું તેલ પોતાની ડાબી હથેળીમાં રેડવું.

૨૭અને જે થોડું રક્ત તેના ડાબા હાથની હથેળીમાં છે તેમાંથી થોડું તેણે પોતાના જમણા હાથની આંગળી વડે લઈને સાત વાર યહોવાહની સમક્ષ છાંટવું.

૨૮તે પછી દોષાર્થાર્પણનું રક્ત લગાડ્યું હતું તે જ જગ્યાએ યાજકે જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તે વ્યક્તિના જમણા કાનની બુટ્ટી પર, જમણા હાથના અંગૂઠા પર તથા જમણા પગના અંગૂઠા પર તેલ લગાવવું.

૨૯તેના હાથમાં બાકી રહેલું તેલ જે માણસની શુદ્ધિ કરવાની હોય તેના માથા પર રેડવું અને યહોવાહ સમક્ષ તેણે પ્રાયશ્ચિત કરવું.

૩૦અને તે મેળવી શકે એવો એક હોલો કે કબૂતરનું બચ્ચું તેણે ચઢાવવું,

૩૧જેવું તે મેળવી શકે એવું, પાપાર્થાર્પણ તરીકે અને બીજું દહનીયાર્પણ તરીકે ખાદ્યાર્પણની સાથે વેદી પર ચઢાવવું. પછી યાજક યહોવાહની સમક્ષ તે માણસને માટે પ્રાયશ્ચિત કરે અને તે શુદ્ધ બની જશે.

૩૨કુષ્ટ રોગમાંથી સાજા થયેલા જે માણસના શુદ્ધિકરણ માટે જરૂરી અર્પણો લાવવા જો તે અશક્ત હોય, તેને માટે આ નિયમ છે.”

૩૩યહોવાહે મૂસા તથા હારુનને કહ્યું,

૩૪“મેં તમને આપેલા કનાન દેશમાં જ્યારે તમે આવી પહોંચો અને હું ત્યાં કોઈ ઘરમાં કુષ્ટ રોગ મૂકું,

૩૫તો તે ઘરના માલિકે યાજક પાસે આવીને માહિતી આપવી. તેણે કહેવું, ‘મારા ઘરમાં કુષ્ટરોગ હોય એવું મને લાગે છે.’”

૩૬યાજકે તપાસ કરવા જતાં પહેલાં ઘર ખાલી કરવા આજ્ઞા કરવી, એ માટે કે ઘરની બધી વસ્તુઓ અશુદ્ધ ન થાય. ત્યારપછી યાજક ઘરની તપાસ માટે ઘરની અંદર જાય.

૩૭રોગની તે તપાસ કરે અને જો તે રોગ ઘરની દીવાલોમાં હોવાથી તેમાં કોઈ લીલી કે રાતી તિરાડ પડી હોય અને તે દીવાલની સપાટીથી ઊંડી દેખાતી હોય તો,

૩૮પછી યાજક ઘરમાંથી બહાર નીકળી સાત દિવસ માટે ઘરને બંધ કરી દેવું.

૩૯પછી સાતમે દિવસે યાજકે પાછા આવીને ફરી તપાસ કરવી, જો તે કાણાઓ ભીંતમાં વધારે પ્રસર્યા હોય,

૪૦તો યાજકે રોગવાળા પથ્થરોને કાઢી નાખવાની તથા તેમને નગર બહાર ગંદકીની જગ્યાએ ફેંકી દેવાની આજ્ઞા તેઓને આપવી.

૪૧ઘરની અંદરની ભીંતોને ખોતરી નાખવાની આજ્ઞા તેણે આપવી અને ખોતરી કાઢેલું બધું જ શહેરની બહાર કોઈ અશુદ્ધ જગ્યાએ ઠાલવી આવવા જણાવવું.

૪૨જે જગ્યા ખાલી પડી હોય ત્યાં બીજા પથ્થરો લાવીને ગોઠવવા અને ચૂનાનો કોલ પણ નવો જ વાપરવો તથા ઘરનું નવેસરથી ચણતર કરાવવું.

૪૩પથ્થરો કાઢી નાખ્યા પછી અને ઘરનું નવેસરથી ચણતર કર્યા પછી જો ફરીથી ફૂગ દેખાય,

૪૪તો યાજકે ફરીથી આવીને ઘરની તપાસ કરવી અને તેને ખબર પડે કે ફૂગ પ્રસરી છે તો તે જલદી પ્રસરે તેવો ચેપ છે અને તે ઘર અશુદ્ધ છે.

૪૫તે ઘરને તોડી પાડવું. એ ઘરના પથ્થરો, લાકડાં અને ગારો બધું શહેરની બહાર કોઈ અશુદ્ધ જગ્યાએ લઈ જવું.

૪૬એ ઘર બંધ રહ્યું હોય તે દરમિયાન કોઈ ઘરમાં પ્રવેશે તો તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.

૪૭જે કોઈ વ્યક્તિ તે ઘરમાં સૂઈ જાય અથવા જમે તો તેણે પોતાના વસ્ત્રો ધોઈ નાખવાં.

૪૮પરંતુ યાજક ઘરમાં જઈને તપાસે અને જો તેને ખબર પડે કે નવેસરથી ચણતર કર્યા પછી ફૂગ ફેલાયેલી નથી, તો તે ઘરને તે શુદ્ધ જાહેર કરે કે હવે ફૂગનો ચેપ ઘરમાં નથી.

૪૯પછી ઘરની શુદ્ધિ માટે યાજક બે નાનાં પક્ષીઓ, દેવદારનું લાકડું, લાલ રંગના કાપડનો ટુકડો અને ઝુફો લે.

૫૦એક પક્ષીને તેણે ઝરાના વહેતા પાણી ઉપર માટલી ઉપર કાપવું.

૫૧તેણે દેવદારનું લાકડું, ઝુફો અને કિરમજી રંગનું કાપડ લઈ જીવતા પક્ષી સાથે ચઢાવેલા પક્ષીના રક્તમાં તથા ઝરાના વહેતાં પાણીમાં બોળવા અને સાત વખત ઘર ઉપર છંટકાવ કરવો.

૫૨આ પ્રમાણે તેણે પક્ષીનું રક્ત, ઝરાનું પાણી, જીવતું પક્ષી, દેવદારનું લાકડું, ઝુફો અને કિરમજી કાપડ, તેનાથી ઘરની શુદ્ધિ કરવી.

૫૩પણ યાજકે શહેરની બહાર ખુલ્લાં મેદાનમાં બીજા પક્ષીને છોડી દેવું. આ રીતે યાજક ઘરને શુદ્ધ કરશે અને ઘર સાફ થશે.

૫૪બધી જ જાતના કુષ્ટ રોગ, એટલે સોજા, ચાંદાં, ગૂમડાં માટે,

૫૫વસ્ત્રના તથા ઘરના કુષ્ટ રોગને માટે,

૫૬કોઈની ચામડીના સોજામાં કે દાઝવાથી થયેલા ઘામાં કે ચાંદાને માટે,

૫૭કુષ્ટ રોગની બાબતમાં કોઈ અશુદ્ધ ક્યારે કહેવાય અને શુદ્ધ ક્યારે કહેવાય, તે શીખવવા માટે એ નિયમ છે.”

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.