ગણના ૩
૧સિનાઈ પર્વત પર યહોવાહ મૂસા સાથે બોલ્યા ત્યારે હારુન અને મૂસાની વંશાવળી આ પ્રમાણે હતી.
૨હારુનના દીકરાઓનાં નામ આ મુજબ હતાં; જ્યેષ્ઠ દીકરાનું નામ નાદાબ, તથા અબીહૂ, એલાઝાર તથા ઈથામાર.
૩હારુનના દીકરાઓ જેઓને યાજક તરીકે અભિષિક્ત કરવામાં આવ્યા અને તેઓને યાજકની પદવીમાં સેવા કરવાને જુદા કરવામાં આવ્યા તેઓનાં નામ એ હતાં.
૪પરંતુ નાદાબ અને અબીહૂ યહોવાહની આગળ સિનાઈના અરણ્યમાં પારકો અગ્નિ ચઢાવવાથી યહોવાહની આગળ માર્યા ગયા. તેથી તેઓ સિનાઈના રણમાં જ મૃત્યુ પામ્યા. તેઓ નિ:સંતાન હતા. અને એલાઝાર અને ઈથામાર પોતાના પિતા હારુનના જીવનકાળ દરમ્યાન યાજકપદમાં સેવાઓ બજાવતા હતા.
૫યહોવાહ મૂસા સાથે બોલ્યા. તેમણે કહ્યું કે,
૬લેવીના કુળને પાસે લાવ અને તેઓને યાજક હારુનની આગળ ઊભા કર કે, તેઓ તેની સેવા કરે.
૭તેઓએ તેની અને મુલાકાતમંડપની આખી જમાતની સંભાળ રાખે અને મંડપને લગતી ફરજો બજાવવાની છે.
૮અને તેઓ મુલાકાતમંડપની, સરસામાનની અને ઇઝરાયલપુત્રોની સંભાળ રાખતાં મંડપને લગતી ફરજો બજાવે.
૯અને તું હારુનના તથા તેના દીકરાઓના હવાલામાં લેવીઓને સોંપી દે કારણ કે, ઇઝરાયલના લોકો વતી તેઓ તેને સેવા માટે અપાયેલા છે.
૧૦અને તારે હારુનને અને તેના દીકરાઓને યાજકની ફરજો બજાવવા નિયુક્ત કરવા. જો કોઈ પરદેશી એ ફરજ બજાવવા જાય તો તે માર્યો જાય.”
૧૧પછી યહોવાહે મૂસાને કહ્યું કે,
૧૨ઇઝરાયલપુત્રોના સર્વ પ્રથમજનિત એટલે ગર્ભ ઊઘાડનારને બદલે, તેઓમાંથી મેં લેવીઓનો સ્વીકાર કર્યો છે. અને લેવીઓ મારા થશે.
૧૩કેમ કે, સર્વ પ્રથમજનિત મારા જ છે; જ્યારે મેં મિસરના બધા પ્રથમજનિતને મારી નાખ્યા હતા તે દિવસે મેં ઇઝરાયલપુત્રોના સર્વ પ્રથમજનિત પુરુષો અને જાનવરોને મારે સારુ પવિત્ર કર્યા, તેઓ મારા જ થશે. હું યહોવાહ છું.”
૧૪સિનાઈના અરણ્યમાં યહોવાહે મૂસાને કહ્યું કે,
૧૫લેવીના દીકરાઓની, તેઓના પિતાનાં કુટુંબો પ્રમાણે ગણતરી કર. એક મહિનો અને તેથી વધારે ઉંમરના સર્વ પુરુષોની ગણતરી કર.”
૧૬એટલે યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે મુજબ મૂસાએ તેઓની ગણતરી કરી.
૧૭લેવીના દીકરાઓનાં નામ આ મુજબ છે; ગેર્શોન, કહાથ, અને મરારી.
૧૮ગેર્શોનના દીકરાઓના નામ તેઓના કુળ મુજબ, લિબ્ની તથા શિમઈ છે.
૧૯કહાથના દીકરા, તેમના કુટુંબો મુજબ; આમ્રામ તથા યિસ્હાર, હેબ્રોન તથા ઉઝિયેલ.
૨૦મરારીના દીકરા તેઓના કુટુંબો મુજબ, માહલી તથા મુશી છે. લેવીઓનાં કુટુંબો, તેઓનાં પિતાનાં ઘર મુજબ એ છે.
૨૧ગેર્શોનથી લિબ્નીઓનું કુટુંબ અને શિમઈઓનું કુટુંબ થયા. એ ગેર્શોનીઓના કુટુંબો છે.
૨૨તેઓમાંના જેઓની ગણતરી થઈ એટલે તેઓમાંના એક મહિનાના અને તેથી વધારે ઉંમરના સઘળા પુરુષોની ગણતરી થઈ, તેઓની સંખ્યા સાત હજાર પાંચસોની હતી.
૨૩મંડપની પાછળ પશ્ચિમ દિશામાં ગેર્શોનીઓનાં કુટુંબો છાવણી કરે.
૨૪અને લાએલનો દીકરો એલિયાસાફ તે ગેર્શોનીઓના પિતાનાં ઘરનો આગેવાન થાય.
૨૫અને ગેર્શોનનું કુટુંબ મુલાકાતમંડપના પડદા એની અંદરનું આવરણ, બહારનું આવરણ, મુલાકાતમંડપના દ્વારના પડદાની સંભાળ રાખે.
૨૬તેઓ આંગણાના પડદા અને મંડપની પાસે અને વેદીની આસપાસના આંગણાના દ્વારનાં પડદાઓની સંભાળ રાખે. તેના બધા કામ માટે તેની દોરીઓ એ બધાની સંભાળ ગેર્શોનના દીકરાઓ રાખે.
૨૭અને કહાથથી આમ્રામીઓનું કુટુંબ, ઈસહારીઓનું કુટુંબ, હેબ્રોનીઓનું કુટુંબ અને ઉઝિયેલીઓનું કુટુંબ થયાં; કહાથીઓનાં કુટુંબો એ હતાં.
૨૮એક મહિનાના અને તેથી વધારે ઉંમરના પુરુષોની સંખ્યા આઠ હજાર છસો પુરુષોની હતી અને તેઓ પવિત્રસ્થાનની સંભાળ રાખનારા હતા.
૨૯કહાથના દીકરાઓનાં કુટુંબો મંડપની પાસે દક્ષિણ બાજુએ છાવણી કરે.
૩૦ઉઝિયેલનો દીકરો અલિસાફાન તે કહાથીઓનાં કુટુંબોના પિતાના ઘરનો આગેવાન થાય.
૩૧તે લોકોએ પવિત્ર કોશની, મેજની, દીપવૃક્ષ અને વેદીઓની, પવિત્રસ્થાનની સેવા કરવાની સામગ્રી તથા ગર્ભગૃહ આગળના પડદાની તથા એ સર્વ કામકાજની સંભાળ રાખવી.
૩૨અને હારુન યાજકનો દીકરો એલાઝાર લેવીઓના અધિપતિઓનો આગેવાન થાય. પવિત્રસ્થાનની સંભાળ રાખનારાઓની તે દેખરેખ રાખે.
૩૩મરારીથી માહલીઓનું કુટુંબ તથા મુશીઓનું કુટુંબો થયાં; મરારીનાં કુટુંબો એ છે.
૩૪અને તેઓમાંના એક મહિના અને તેથી વધારે ઉંમરના પુરુષોની ગણતરી થઈ તેઓની સંખ્યા છ હજાર બસો પુરુષોની હતી.
૩૫અને અબિહાઈલનો દીકરો સૂરીએલ તે મરારીનાં કુટુંબોના પિતાના ઘરનો આગેવાન હતો. તેઓ ઉત્તર બાજુએ મંડપની પાસે છાવણી કરે.
૩૬અને મંડપનાં પાટિયાં, તેની ભૂંગળો, સ્તંભો, કૂંભીઓ તથા તેનાં સર્વ ઓજારો તથા તેને લગતાં સર્વ કામ
૩૭તદુપરાંત આંગણાની આસપાસના સ્તંભો, કૂંભીઓ, ખીલીઓ અને દોરીઓને લગતાં સર્વ કામની સંભાળ મરારીના દીકરાઓ રાખે.
૩૮મૂસા, હારુન અને તેના દીકરા મંડપની સામે પૂર્વ દિશામાં, મુલાકાતમંડપની સામે પૂર્વ બાજુએ છાવણી કરે અને તેઓ પવિત્રસ્થાનની સંભાળ રાખે, એટલે ઇઝરાયલીઓ માટે તેની સંભાળ રાખે. અને જો કોઈ પરદેશી પાસે આવે તો તે માર્યો જાય.
૩૯લેવીઓમાંના જે સર્વની ગણતરી થઈ, જેઓને મૂસાએ અને હારુને યહોવાહની આજ્ઞા અનુસાર ગણ્યા તેઓ, એટલે એક મહિનાના અને તેની ઉપરની ઉંમરના લેવી પુરુષો પોતાના કુટુંબ મુજબ બાવીસ હજાર હતા.
૪૦યહોવાહે મૂસાને કહ્યું, “એક મહિનાથી ઉપરની ઉંમરના બધા પ્રથમજનિત ઇઝરાયલી પુરુષોની ગણતરી કર અને તેમનાં નામોની સંખ્યા ગણ.
૪૧અને ઇઝરાયલના સર્વ પ્રથમજનિત પુરુષોને બદલે તું મારે માટે લેવીઓને લે. હું યહોવાહ છું, અને ઇઝરાયલીઓના જાનવરો મધ્યે સર્વ પ્રથમજનિતને બદલામાં લેવીઓનાં જાનવરો લે.”
૪૨અને જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે મુજબ તેણે સર્વ ઇઝરાયલીઓના પ્રથમજનિતની ગણતરી કરી.
૪૩અને સર્વ પ્રથમજનિત પુરુષોની ગણતરી કરી, એક મહિનાથી ઉપરના નામોની સંખ્યા પ્રમાણે ગણતાં બાવીસ હજાર બસો તોંતેરની થઈ.
૪૪ત્યાર પછી, યહોવાહે મૂસાને કહ્યું કે,
૪૫ઇઝરાયલ પ્રજામાં સર્વ પ્રથમજનિતના બદલામાં લેવીઓને લે. તેઓનાં જાનવરોને બદલે લેવીઓનાં જાનવરો લે. અને લેવીઓ મારા થશે, હું યહોવાહ છું.
૪૬અને ઇઝરાયલમાં લેવીઓ ઉપરાંત, જે બસો તોંતેર પ્રથમજનિતને ખંડી લેવાના છે.
૪૭તે દરેકને વાસ્તે, માથાદીઠ પાંચ શેકેલ લે. પવિત્રસ્થાનના શેકેલ એટલે વીસ ગેરાહના શેકેલ મુજબ તું લે.
૪૮અને તે ઉપરાંત નાની સંખ્યાની ખંડણીનાં જે નાણાં આવે તે તું હારુન તથા તેના દીકરાઓને આપ.
૪૯જેઓ લેવીઓને બદલે ખરીદી લેવાયા હતા, તેઓ ઉપરાંત મુક્તિ મૂલ્યનાં ઓછા નાણાં મૂસાએ તેઓની પાસેથી લીધાં;
૫૦ઇઝરાયલના પ્રથમજનિત પાસેથી મૂસાએ તે નાણાં લીધાં; એટલે પવિત્રસ્થાનના શેકેલ મુજબ એક હજાર ત્રણસો પાંસઠ શેકેલ.
૫૧અને મૂસાએ યહોવાહના કહ્યા મુજબ તથા યહોવાહે તેને આજ્ઞા કરી હતી તે મુજબ ખંડણીનાં નાણાં હારુનને અને તેના દીકરાઓને આપ્યા.
