ગીતશાસ્ત્ર ૪૬
૧ઈશ્વર આપણો આશ્રય તથા સામર્થ્ય છે, સંકટને સમયે તે હાજરહજૂર મદદગાર છે.
૨માટે જો પૃથ્વી ઊથલપાથલ થાય જો પર્વતો સમુદ્રમાં ડૂબી જાય, તોપણ આપણે બીહીએ નહિ.
૩જો તેનું પાણી ગર્જના કરે તથા વલોવાય જો તેના ઊછળવાથી પર્વતો કાંપી ઊઠે, તોપણ આપણે બીહીએ નહિ. સેલાહ.
૪ત્યાં એક નદી છે જેના ઝરણાંઓ ઈશ્વરના નગરને એટલે પરાત્પરના મંડપના પવિત્રસ્થાનને આનંદમય કરે છે.
૫ઈશ્વર તેની વચમાં છે; તેને હલાવી શકાશે નહિ; મોટી સવારે ઈશ્વર તેને મદદ કરશે.
૬વિદેશીઓએ તોફાન મચાવ્યું છે અને રાજ્યો ડગમગી ગયાં; તેમણે ગર્જના કરી એટલે, પૃથ્વી પીગળી ગઈ.
૭આપણી સાથે સૈન્યોના સરદાર યહોવાહ છે; આપણો આશ્રય યાકૂબના ઈશ્વર છે. સેલાહ.
૮આવો યહોવાહનાં પરાક્રમો જુઓ, તેમણે પૃથ્વીની કેવી પાયમાલી કરી છે તે જુઓ.
૯તે પૃથ્વીના છેડાઓ સુધી યુદ્ધોને બંધ કરી દે છે; તે ધનુષ્યને ભાંગી નાખે છે અને ભાલાને કાપી નાખે છે; રથોને અગ્નિથી બાળી નાખે છે.
૧૦લડાઈ બંધ કરો અને જાણો કે હું ઈશ્વર છું; હું વિદેશીઓમાં મોટો મનાઈશ; હું પૃથ્વીમાં મોટો મનાઈશ.
૧૧સૈન્યોના યહોવાહ આપણી સાથે છે; યાકૂબના ઈશ્વર આપણા આશ્રય છે. સેલાહ.
