ગીતશાસ્ત્ર ૫
૧હે યહોવાહ, મારા બોલવા પર કાન ધરો; મારા ચિંતન પર લક્ષ આપો.
૨હે મારા રાજા અને મારા ઈશ્વર, મારી અરજ સાંભળો, કારણ કે હું તમારી પ્રાર્થના કરું છું.
૩હે યહોવાહ, સવારમાં તમે મારી પ્રાર્થના સાંભળશો; સવારમાં હું તારી પાસે મારી અરજીઓ લાવું છું કરીને ઉત્તરને માટે હું રાહ જોઈ રહીશ.
૪દુષ્ટતાથી ખુશ થાય એવા ઈશ્વર તમે નથી; દુષ્ટ લોકો તમારી પાસે રહી શકતા નથી.
૫તમારી હજૂરમાં અભિમાની ઊભા રહી શકતા નથી; જેઓ દુષ્ટતા સાથે વ્યવહાર કરે તે સર્વને તમે ધિક્કારો છો.
૬જૂઠું બોલનારાઓનો તમે નાશ કરશો; યહોવાહ હિંસક તથા કપટી લોકોને ધિક્કારે છે.
૭પણ હું તો તમારી પુષ્કળ કૃપાથી તમારા ઘરમાં આવીશ; હું તમારી બીક રાખીને તમારા પવિત્રસ્થાન તરફ ફરીને ભજન કરીશ.
૮હે પ્રભુ, મારા શત્રુઓના કારણથી તમે તમારા ન્યાયીપણામાં મને ચલાવો; મારી આગળ તમારો માર્ગ સીધા કરો.
૯કેમ કે તેઓના મુખમાં કંઈ સત્ય નથી; તેઓનાં અંતઃકરણોમાં નરી દુષ્ટતા છે; તેઓનું ગળું ઉઘાડી કબર છે; તેઓ પોતાની જીભે ખુશામત કરે છે.
૧૦હે ઈશ્વર, તેઓને દોષિત જાહેર કરો; તેઓ પોતાની જ યુક્તિઓમાં ફસાઈ પડો! તેઓના પુષ્કળ અપરાધોને લીધે તેઓને દૂર કરો, કેમ કે તેઓએ તમારી વિરુદ્ધ બંડ કર્યું છે.
૧૧પણ જેઓએ તમારા પર ભરોસો રાખ્યો છે તેઓ સર્વ આનંદ કરશે; તમે તેઓને બચાવ્યા છે માટે તેઓ સદા હર્ષનાદ કરશે; તમારા નામ પર પ્રેમ રાખનારા તમારામાં હર્ષ પામશે.
૧૨કેમ કે, હે યહોવાહ, તમે ન્યાયીને આશીર્વાદ આપશો; તમે ઢાલથી તેમ મહેરબાનીથી તેને ઘેરી લેશો.
