ગીતશાસ્ત્ર ૬૦
૧હે ઈશ્વર, તમે અમને તજી દીધા છે; તમે અમને પાયમાલ કર્યા છે; તમે કોપાયમાન થયા છો; અમને ફરીથી સ્થાપો.
૨તમે દેશને ધ્રૂજાવ્યો છે; તમે તેને ચીરીને અલગ કર્યો છે; તેના વિભાગોને તમે સમારો, કેમ કે તે કાંપે છે.
૩તમે તમારા લોકોને અતિ વિકટ સમયમાં લઈ ગયા છો; તમે અમને લથડિયાં ખવડાવનારો દ્રાક્ષારસ પીવડાવ્યો છે.
૪તમે તમારી બીક રાખનારાઓને ધ્વજા આપી છે, કે જેથી તે સત્યને અર્થે પ્રદર્શિત કરાય .
૫કે જેથી જેઓ તમને પ્રેમ કરે છે, તેઓ છૂટી જાય, તમારા જમણા હાથથી અમને છોડાવો અને મને જવાબ આપો.
૬ઈશ્વર પોતાની પવિત્રસ્થાનમાંથી બોલ્યા છે, “હું હરખાઈશ; હું શખેમના ભાગ પાડીશ અને સુક્કોથની ખીણ વહેંચી આપીશ.
૭ગિલ્યાદ મારું છે અને મનાશ્શા પણ મારું છે; એફ્રાઇમ પણ મારા માથાનો ટોપ છે. યહૂદિયા મારો રાજદંડ છે.
૮મોઆબ મારો કળશિયો છે; અદોમ ઉપર હું મારું પગરખું નાખીશ; હું પલિસ્તીઓને કારણે હું જય પોકાર કરીશ .
૯મજબૂત શહેરમાં મને કોણ લાવશે? અદોમમાં મને કોણ દોરવણી આપશે?”
૧૦પણ, હે ઈશ્વર, તમે શું અમને તજી દીધા નથી? તમે અમારા સૈન્યોની સાથે યુદ્ધમાં આવતા નથી.
૧૧અમારા શત્રુઓ વિરુદ્ધ અમારી સહાય કરો, કારણ કે માણસોની સહાય વ્યર્થ છે.
૧૨ઈશ્વરની સહાયથી અમે જીત મેળવીશું; તે અમારા શત્રુઓને કચડી નાખશે.
