ગીતશાસ્ત્ર ૯૫
૧આવો, આપણે યહોવાહની સમક્ષ ગાઈએ; આપણા ઉદ્ધારક ખડકની આગળ હર્ષનાદ કરીએ.
૨આભારસ્તુતિ સાથે તેમની હજૂરમાં આવીએ; આવો આપણે ગીતોથી તેમની સમક્ષ હર્ષનાદ કરીએ.
૩કારણ કે યહોવાહ મહાન ઈશ્વર છે અને તે સર્વ દેવો પર મોટા રાજા છે.
૪તેમનાં હાથમાં પૃથ્વીનાં ઊંડાણો છે; પર્વતોનાં શિખરો પણ તેમનાં છે.
૫સમુદ્ર તેમનો છે, કેમ કે તેમણે તે બનાવ્યો છે અને તેમના હાથોએ કોરી ભૂમિ રચી.
૬આવો, આપણે તેમની સ્તુતિ કરીએ અને નમીએ; આવો આપણે આપણા કર્તા યહોવાહની આગળ ઘૂંટણિયે પડીએ.
૭કારણ કે તે આપણા ઈશ્વર છે અને આપણે તેમના ચારાના લોક તથા તેમના હાથનાં ઘેટાં છીએ. આજે, જો તમે તેમની વાણી સાંભળો તો કેવું સારું!
૮“મરીબાહ માં કર્યાં હતાં તેમ, તમારા હૃદય કઠણ ન કરો, અને જેમ અરણ્યમાં માસ્સા ને દિવસે,
૯જ્યાં તમારા પિતૃઓએ મારી કસોટી કરી અને તેઓએ મને પારખ્યો તથા મારું કૃત્ય જોયું.
૧૦કેમ કે ચાળીસ વર્ષ સુધી હું તે પેઢીથી કંટાળી જતો હતો અને કહ્યું, ‘તે આ જ લોકો છે, કે જેઓનાં હૃદયો કુમાર્ગે ભટકી ગયાં છે; તેઓ મારા માર્ગો જાણતા નથી .’
૧૧માટે મેં મારા ક્રોધમાં સમ ખાધા કે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહિ.”
