Skip to content
Methodist Church Nadiad

યોહાન ૮

100%

ઈસુ જૈતૂન નામના પહાડ પર ગયા.

વહેલી સવારે તે ફરી ભક્તિસ્થાનમાં આવ્યા, સઘળા લોકો તેમની પાસે આવ્યા અને તેમણે નીચે બેસીને તેઓને બોધ કર્યો.

ત્યારે શાસ્ત્રીઓ તથા ફરોશીઓ વ્યભિચારમાં પકડાયેલી એક સ્ત્રીને ત્યાં લાવ્યા; અને તેને વચમાં ઊભી રાખીને.

ઈસુને કહ્યું કે, ‘ગુરુ, આ સ્ત્રી વ્યભિચાર કરતાં જ પકડાઈ છે.

હવે મૂસાના નિયમશાસ્ત્રમાં આપણને આજ્ઞા આપી છે કે, તેવી સ્ત્રીઓને પથ્થરે મારવી; તો તમે તેને વિષે શું કહો છો?’”

તેમના પર દોષ મૂકવાનું કારણ તેમને મળી આવે એ માટે તેમનું પરીક્ષણ કરતાં તેઓએ આ કહ્યું. પણ ઈસુએ નીચા નમીને જમીન પર આંગળીએ લખ્યું.

તેઓએ તેમને પૂછ્યા કર્યું, ત્યારે તેમણે ઊભા થઈને તેઓને કહ્યું કે, ‘તમારામાં જે કોઈ પાપ વગરનો હોય તે તેના પર પહેલો પથ્થર મારે.’”

ફરીથી પણ તેમણે નીચા નમીને આંગળી વડે જમીન પર લખ્યું.

જયારે તેઓએ સાંભળ્યું, ત્યારે વૃદ્ધથી માંડીને એક પછી એક બધા ચાલ્યા ગયા. અને એકલા ઈસુ તથા ઊભેલી સ્ત્રી જ ત્યાં રહ્યાં.

૧૦ઈસુ ઊભા થયા અને તેને પૂછ્યું કે, ‘સ્ત્રી, તારા પર દોષ મૂકનારાઓ ક્યાં છે? શું કોઈએ તને દોષિત ઠરાવી નથી?’”

૧૧તેણે કહ્યું, ‘પ્રભુ, કોઈએ નહિ.’ ઈસુએ કહ્યું, ‘હું પણ તને દોષિત નથી ઠરાવતો; તું ચાલી જા; હવેથી પાપ કરીશ નહિ.’”

૧૨ફરીથી ઈસુએ તેઓને કહ્યું, ‘હું માનવજગતનું અજવાળું છું; જે કોઈ મારી પાછળ આવે છે તે અંધકારમાં નહિ ચાલશે, પણ જીવનનું અજવાળું પામશે.’”

૧૩ફરોશીઓએ તેમને કહ્યું, ‘તમે તમારે પોતાને વિષે સાક્ષી આપો છો; તમારી સાક્ષી સાચી નથી.’”

૧૪ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે, ‘જો હું પોતાના વિષે સાક્ષી આપું છું, તોપણ મારી સાક્ષી સાચી છે; કેમ કે હું ક્યાંથી આવ્યો છું અને ક્યાં જાઉં છું, તે હું જાણું છું; પણ તમે નથી જાણતા કે હું ક્યાંથી આવું છું, અને ક્યાં જાઉં છું.

૧૫તમે માનવીય રીતે ન્યાય કરો છો; હું કોઈનો ન્યાય કરતો નથી.

૧૬વળી જો હું ન્યાય કરું, તો મારો ન્યાયચુકાદો સાચો છે; કેમ કે હું એકલો નથી, પણ હું તથા પિતા જેમણે મને મોકલ્યો છે.

૧૭તમારા નિયમશાસ્ત્રમાં પણ લખેલું છે કે, ‘બે માણસની સાક્ષી સાચી છે.

૧૮હું મારે પોતાને વિષે સાક્ષી આપનાર છું અને પિતા જેમણે મને મોકલ્યો છે તે મારે વિષે સાક્ષી આપે છે.’”

૧૯તેઓએ તેમને કહ્યું કે, ‘તારો પિતા ક્યાં છે?’ ઈસુએ ઉત્તર આપ્યો કે, ‘તમે મને તેમ જ મારા પિતાને પણ ઓળખતા નથી; જો તમે મને ઓળખત, તો તમે મારા પિતાને પણ ઓળખત.’”

૨૦ઈસુ ભક્તિસ્થાનમાં બોધ કરતા હતા ત્યારે તેમણે ભંડાર આગળ એ વાતો કહી, પણ કોઈએ તેમને પકડ્યા નહિ; કેમ કે તેમનો સમય હજી સુધી આવ્યો ન હતો.

૨૧તેમણે તેઓને ફરીથી કહ્યું કે, ‘હું જવાનો છું, તમે મને શોધશો અને તમે તમારાં પાપમાં મરશો; જ્યાં હું જાઉં છું, ત્યાં તમે આવી શકતા નથી.’”

૨૨યહૂદીઓએ કહ્યું કે, ‘શું તે આપઘાત કરશે? કેમ કે તે કહે છે કે, જ્યાં હું જવાનો છું, ત્યાં તમે આવી શકતા નથી.’”

૨૩ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમે પૃથ્વી પરના છો, હું ઉપરનો છું; તમે આ જગતના છો, હું આ જગતનો નથી.

૨૪માટે મેં તમને કહ્યું કે, તમે તમારાં પાપોમાં મરશો; કેમ કે તે હું છું, એવો જો તમે વિશ્વાસ નહિ કરો, તો તમે તમારાં પાપોમાં મરશો.’”

૨૫માટે તેઓએ તેમને પૂછ્યું, ‘તમે કોણ છો?’ ઈસુએ તેઓને કહ્યું કે, ‘પ્રથમથી જે હું તમને કહેતો આવ્યો છું તે જ.’”

૨૬મારે તમારે વિષે કહેવાની તથા ન્યાય કરવાની ઘણી બાબતો છે; તોપણ જેમણે મને મોકલ્યો છે, તેઓ સત્ય છે; અને જે વાતો મેં તેમની પાસેથી સાંભળી છે, તે હું માનવજગતને કહું છું.’”

૨૭તે તેઓની સાથે પિતા વિષે વાત કરે છે, તે તેઓ સમજ્યા નહિ.

૨૮ઈસુએ કહ્યું, ‘જ્યારે તમે માણસના દીકરાને ઊંચો કરશો ત્યારે તમે જાણશો કે હું તે જ છું અને હું મારી પોતાની જાતે કંઈ કરતો નથી, પણ જેમ પિતાએ મને શીખવ્યું છે, તેમ હું તે વાતો બોલું છું.

૨૯જેમણે મને મોકલ્યો છે તે મારી સાથે છે; અને તેમણે મને એકલો મૂક્યો નથી; કેમ કે જે કામો તેમને ગમે છે તે હું નિત્ય કરું છું.’”

૩૦ઈસુ તે કહેતાં હતા, ત્યારે ઘણાંએ તેમના પર વિશ્વાસ કર્યો.

૩૧તેથી જે યહૂદીઓએ તેમના પર વિશ્વાસ કર્યો હતો, તેઓને ઈસુએ કહ્યું કે, ‘જો તમે મારા વચનમાં રહો, તો નિશ્ચે તમે મારા શિષ્યો છો;

૩૨અને તમે સત્યને જાણશો અને સત્ય તમને મુક્ત કરશે.’”

૩૩તેઓએ તેમને ઉત્તર આપ્યો કે, ‘અમે ઇબ્રાહિમનાં સંતાનો છીએ અને હજી કદી કોઈનાં દાસત્વમાં આવ્યા નથી; તો તમે કેમ કહો છો કે, તમને મુક્ત કરવામાં આવશે?’”

૩૪ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, જે કોઈ પાપ કરે છે, તે પાપનો દાસ છે,

૩૫હવે જે દાસ છે તે સદા ઘરમાં રહેતો નથી, પણ દીકરો સદા રહે છે.

૩૬માટે જો દીકરો તમને મુક્ત કરે, તો તમે ખરેખર મુક્ત થશો.

૩૭તમે ઇબ્રાહિમનાં વંશજો છો એ હું જાણું છું; પણ મારું વચન તમારામાં વૃદ્ધિ પામતું નથી, માટે તમે મને મારી નાખવાનો પ્રયત્ન કરો છો.

૩૮મેં મારા પિતાની પાસે જે જોયું છે, તે હું કહું છું; અને તમે પણ તમારા પિતાની પાસેથી જે સાંભળ્યું છે, તેમ તે કરો છો.’”

૩૯તેઓએ ઉત્તર આપ્યો કે, ‘ઇબ્રાહિમ અમારો પિતા છે.’ ઈસુ તેઓને કહે છે કે, ‘જો તમે ઇબ્રાહિમનાં સંતાન હો, તો ઇબ્રાહિમનાં કામો કરો.

૪૦પણ મને, એટલે ઈશ્વરની પાસેથી જે સત્ય મેં સાંભળ્યું તે તમને કહેનાર મનુષ્યને, તમે હમણાં મારી નાખવાની કોશિશ કરો છો; ઇબ્રાહિમે એવું કર્યું નહોતું.

૪૧તમે તમારા પિતાનાં કામ કરો છો.’ તેઓએ તેમને કહ્યું, ‘અમે વ્યભિચારથી જન્મ્યાં નથી; અમારો એક જ પિતા છે, એટલે ઈશ્વર.’”

૪૨ઈસુએ તેઓને કહ્યું, ‘જો ઈશ્વર તમારો પિતા હોત, તો તમે મારા પર પ્રેમ રાખત; કેમ કે હું ઈશ્વરમાંથી નીકળીને આવ્યો છું; કેમ કે હું મારી પોતાની રીતે આવ્યો નથી, પણ તેમણે મને મોકલ્યો છે.

૪૩મારું બોલવું તમે કેમ સમજતા નથી? મારું વચન તમે સાંભળી શકતા નથી તે કારણથી.

૪૪તમે તમારા પિતા શેતાનના છો અને તમારા પિતાની દુર્વાસના પ્રમાણે તમે કરવા ચાહો છો. તે પ્રથમથી મનુષ્યઘાતક હતો અને તેનામાં સત્ય નથી, તેથી તે સત્યમાં સ્થિર રહ્યો નહિ; જયારે તે જૂઠું બોલે છે, ત્યારે તે પોતાથી જ બોલે છે, કેમ કે તે જૂઠો અને જૂઠાનો પિતા છે.

૪૫પણ હું સત્ય કહું છું, તેથી તમે મારું માનતા નથી.

૪૬તમારામાંનો કોણ મારા પર પાપ સાબિત કરે છે? જો હું સત્ય કહું છું, તો તમે શા માટે મારું માનતા નથી?

૪૭જે ઈશ્વરનો છે, તે ઈશ્વરનાં શબ્દો સાંભળે છે; તમે ઈશ્વરના નથી, માટે તમે સાંભળતાં નથી.’”

૪૮યહૂદીઓએ તેમને ઉત્તર આપ્યો કે, ‘તું સમરૂની છે અને તને દુષ્ટાત્મા વળગેલું છે, તે અમારું કહેવું શું વાજબી નથી?’”

૪૯ઈસુએ ઉત્તર આપ્યો કે, ‘મને દુષ્ટાત્મા વળગેલો નથી, પણ હું મારા પિતાને માન આપું છું અને તમે મારું અપમાન કરો છો.

૫૦પણ હું મારું પોતાનું માન શોધતો નથી; શોધનાર તથા ન્યાય કરનાર એક છે.

૫૧હું તમને નિશ્ચે કહું છું કે, જો કોઈ મારા વચનો પાળે, તો તે કદી મૃત્યુ પામશે નહિ.

૫૨યહૂદીઓએ તેમને કહ્યું, ‘તને દુષ્ટાત્મા વળગેલું છે, એવી અમને હવે ખાતરી થઈ છે. ઇબ્રાહિમ તેમ જ પ્રબોધકો પણ મરી ગયા છે; પણ તું કહે છે કે, જો કોઈ મારાં વચનો પાળે, તો તે કદી મૃત્યુ પામશે નહિ.

૫૩શું તું અમારા પિતા ઇબ્રાહિમ કરતાં મોટો છું? તે તો મરણ પામ્યો છે અને પ્રબોધકો પણ મરણ પામ્યા છે; તું કોણ હોવાનો દાવો કરે છે?’”

૫૪ઈસુએ ઉત્તર આપ્યો કે, “જો હું પોતાને માન આપું, તો મારું માન કંઈ જ નથી; મને મહિમા આપનાર તો મારા પિતા છે, જેમનાં વિષે તમે કહો છો કે, ‘તે અમારા ઈશ્વર છે.’”

૫૫વળી તમે તેમને ઓળખ્યા નથી; પણ હું તેમને ઓળખું છું; જો હું કહું કે હું તેમને નથી ઓળખતો, તો હું તમારા જેવો જૂઠો ઠરું; પણ હું તેમને ઓળખું છું અને તેમનું વચન પાળું છું.

૫૬તમારો પિતા ઇબ્રાહિમ મારો દિવસ જોવાની આશાથી હર્ષ પામ્યો અને તે જોઈને તેને આનંદ થયો.”

૫૭ત્યારે યહૂદીઓએ તેમને કહ્યું કે, ‘હજી તો તમે પચાસ વર્ષના થયા નથી અને શું તમે ઇબ્રાહિમને જોયો છે?’”

૫૮ઈસુએ તેઓને કહ્યું કે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, ઇબ્રાહિમનો જન્મ થયા અગાઉથી હું છું.’”

૫૯ત્યારે તેઓએ તેમને મારવાને પથ્થર હાથમાં લીધા; પણ ઈસુ સંતાઈ જઈને ભક્તિસ્થાનમાંથી ચાલ્યા ગયા.

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.