માર્ક ૮
૧તે દિવસોમાં જયારે ફરી અતિ ઘણાં લોકો હતા અને તેઓની પાસે કંઈ ખાવાનું ન હતું, ત્યારે ઈસુ પોતાના શિષ્યોને પાસે બોલાવીને તેઓને કહે છે કે,
૨‘લોકો પર મને અનુકંપા આવે છે, કેમ કે ત્રણ દિવસથી તેઓ મારી સાથે રહ્યા છે અને તેઓની પાસે કશું ખાવાનું નથી;
૩અને જો હું તેઓને ભૂખ્યા ઘરે મોકલું તો રસ્તામાં તેઓ થાકીને પડી જશે; વળી તેઓમાંના કેટલાક તો દૂરથી આવ્યા છે.’”
૪શિષ્યોએ ઈસુને જવાબ આપ્યો કે, ‘અહીં અરણ્યમાં ક્યાંથી કોઈ એટલા બધાને રોટલીથી તૃપ્ત કરી શકે?’”
૫ઈસુએ તેઓને પૂછ્યું કે, ‘તમારી પાસે કેટલી રોટલીઓ છે?’ તેઓએ કહ્યું, ‘સાત.’”
૬ઈસુએ લોકોને જમીન પર બેસવાનો આદેશ આપ્યો; અને સાત રોટલીઓ લઈને તેમણે સ્તુતિ કરીને ભાંગી અને વહેંચવા સારુ પોતાના શિષ્યોને આપી; અને તેઓએ તે લોકોને પીરસી.
૭તેઓની પાસે થોડી નાની માછલીઓ પણ હતી; અને ઈસુએ તેના પર આશીર્વાદ માગીને તે પણ લોકોને પીરસવાનું કહ્યું.
૮લોકો ખાઈને તૃપ્ત થયા; અને બાકી વધેલા ટુકડાંઓથી સાત ટોપલીઓ ભરાઈ. તે તેઓએ ઉઠાવી.
૯જમનારાં આશરે ચાર હજાર લોકો હતા; અને ઈસુએ તેઓને વિદાય કર્યાં.
૧૦તરત પોતાના શિષ્યો સાથે હોડી પર ચઢીને ઈસુ દલમાનુથાની પ્રદેશમાં આવ્યા.
૧૧ત્યારે ત્યાં ફરોશીઓ આવી પહોંચ્યા અને ઈસુની કસોટી કરતાં તેમની પાસે સ્વર્ગમાંથી ચમત્કારિક ચિહ્ન માગીને તેમની સાથે વિવાદ કરવા લાગ્યા.
૧૨પોતાના આત્મામાં ઊંડો નિસાસો નાખીને ઈસુ કહે છે કે, ‘આ પેઢી ચમત્કારિક ચિહ્ન કેમ માગે છે? હું તેમને નિશ્ચે કહું છું કે, આ પેઢીને કંઈ જ ચમત્કારિક ચિહ્ન અપાશે નહિ.’”
૧૩તેઓને ત્યાં જ રહેવા દઈને ઈસુ પાછા હોડીમાં બેસીને સામે કિનારે ગયા.
૧૪તેઓ રોટલી લાવવાનું ભૂલી ગયા હતા; અને તેઓની પાસે હોડીમાં એક કરતાં વધારે રોટલી નહોતી.
૧૫ઈસુએ તેઓને આજ્ઞા આપીને કહ્યું કે, ‘જોજો, ફરોશીઓના ખમીરથી તથા હેરોદના ખમીરથી સાવધાન રહેજો.’”
૧૬તેઓએ અંદરોઅંદર વાતો કરીને કહ્યું કે, ‘આપણી પાસે રોટલી નથી.’”
૧૭તે જાણીને ઈસુ તેઓને કહે છે કે, ‘તમારી પાસે રોટલી નથી તે માટે તમે કેમ વિવાદ કરો છો? હજી સુધી શું તમે જોતા કે સમજતા નથી? શું તમારાં મન કઠણ થયાં છે?
૧૮તમને આંખો હોવા છતાં શું તમે દેખતા નથી? અને કાનો છતાં, શું તમે સાંભળતાં નથી? અને શું યાદ રાખતાં નથી?
૧૯જયારે પાંચ હજારને સારુ પાંચ રોટલી મેં ભાંગી, ત્યારે તમે ટુકડાંઓથી ભરેલી કેટલી ટોપલીઓ ઉઠાવી?’ તેઓ ઈસુને કહે છે કે, ‘બાર ટોપલીઓ.’”
૨૦‘જયારે ચાર હજારને સારુ સાત રોટલી પીરસી ત્યારે તમે ટુકડાંઓથી ભરેલી કેટલી ટોપલીઓ ઉઠાવી? તેઓએ કહ્યું કે ‘સાત ટોપલી.’”
૨૧ઈસુએ તેઓને કહ્યું ‘શું તમે હજી નથી સમજતા?’”
૨૨તે બેથસાઈદામાં આવે છે. તેઓ ઈસુની પાસે એક આંધળાને લાવે છે, અને તેને સ્પર્શવા સારુ તેમને વિનંતી કરી.
૨૩આંધળાનો હાથ પકડીને ઈસુ તેને ગામમાંથી બહાર લઈ ગયા અને તેની આંખોમાં થૂંકીને તથા તેના પર હાથ મૂકીને તેને પૂછ્યું કે, ‘તને કશું દેખાય છે?’”
૨૪ઊંચું જોઈને તેણે કહ્યું કે, ‘હું માણસોને જોઉં છું; તેઓ ચાલતા વૃક્ષ જેવા દેખાય છે’.
૨૫પછી ઈસુએ ફરી તેની આંખો પર હાથ મૂક્યો. ત્યારે તેણે એક નજરે જોયું, તે સાજો થયો અને સઘળું સ્પષ્ટ રીતે જોતો થયો.
૨૬ઈસુએ તેને ઘરે મોકલતાં કહ્યું કે, ‘ગામમાં પણ જઈશ નહિ.’”
૨૭ઈસુ તથા તેમના શિષ્યો કાઈસારિયા ફિલિપ્પીના ગામોમાં ગયા; અને માર્ગમાં તેમણે પોતાના શિષ્યોને પૂછ્યું કે ‘હું કોણ છું, તે વિષે લોકો શું કહે છે?’”
૨૮તેઓએ ઈસુને કહ્યું કે, ‘કોઈ કહે છે કે તમે બાપ્તિસ્મા કરનાર યોહાન છો; અને કોઈ કહે છે કે તમે એલિયા છો, વળી કોઈ એવું કહે છે કે ‘તમે પ્રબોધકોમાંના એક છો.’”
૨૯ઈસુએ તેઓને પૂછ્યું, ‘પણ હું કોણ છું, એ વિષે તમે શું કહો છો?’ પિતરે જવાબ આપતાં તેમને કહ્યું કે, ‘તમે તો ખ્રિસ્ત છો.’”
૩૦તેમણે તેઓને તાકીદ કરી કે, ‘મારે વિષે તમારે કોઈને કશું કહેવું નહિ.’”
૩૧ઈસુ તેઓને શીખવવા લાગ્યા કે, ‘માણસના દીકરાએ ઘણું સહેવું, અને વડીલોથી તથા મુખ્ય યાજકોથી તથા શાસ્ત્રીઓથી નાપસંદ થવું, માર્યા જવું અને ત્રણ દિવસ પછી પાછા ઊઠવું એ જરૂરી છે.’”
૩૨ઈસુ એ વાત ઉઘાડી રીતે બોલ્યા. પછી પિતર તેમને એક બાજુએ લઈને તેમને ઠપકો આપવા લાગ્યો.
૩૩પણ તેમણે પાછળ ફરીને તથા પોતાના શિષ્યોને જોઈને પિતરને ઠપકો આપ્યો કે, ‘શેતાન, તું મારી પાછળ જા; કેમ કે તું ઈશ્વરની બાબતો પર નહિ, પણ માણસોની બાબતો પર મન લગાડે છે.’”
૩૪ઈસુએ પોતાના શિષ્યો સહિત લોકોને પાસે બોલાવીને તેઓને કહ્યું કે, ‘જો કોઈ મારી પાછળ આવવા ચાહે છે, તો તેણે પોતાનો નકાર કરવો અને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું.
૩૫કેમ કે જે કોઈ પોતાનું જીવન બચાવવા ચાહે, તે તેને ગુમાવશે; અને જે કોઈ મારે લીધે તથા સુવાર્તાને લીધે પોતાનું જીવન ગુમાવશે, તે તેને બચાવશે.
૩૬કેમ કે જો માણસ આખું ભૌતિક જગત મેળવે પણ તેના જીવને ગુમાવશે, તો તેથી તેને શો લાભ થાય?
૩૭વળી માણસ પોતાના જીવનને બદલે શું આપશે?
૩૮કેમ કે આ બેવફા તથા પાપી પેઢીમાં જે કોઈ મારે લીધે તથા મારાં વચનોને લીધે શરમાશે, તેને લીધે માણસનો દીકરો પણ જયારે પોતાના બાપના મહિમામાં પવિત્ર સ્વર્ગદૂતોની સાથે આવશે, ત્યારે તે શરમાશે.’”
