Skip to content
Methodist Church Nadiad

નીતિવચનો ૨

100%

મારા દીકરા, જો તું મારાં વચનોનો સ્વીકાર કરશે અને મારી આજ્ઞાઓને તારી પાસે સંઘરી રાખીને,

ડહાપણની વાત સાંભળશે અને બુદ્ધિમાં તારું મન કેન્દ્રિત કરશે;

જો તું વિવેકબુદ્ધિને માટે પોકાર કરશે અને સમજણ મેળવવાને માટે ખંત રાખશે;

જો તું ચાંદીની જેમ તેની શોધ કરશે અને સંતાડેલા ખજાનાની જેમ તેને શોધશે;

તો તને યહોવાહના ભયની સમજણ પડશે અને તને ઈશ્વરનું ડહાપણ પ્રાપ્ત થશે.

કેમ કે યહોવાહ ડહાપણ આપે છે, તેમના મુખમાંથી ડહાપણ અને સમજણ વ્યક્ત થાય છે.

તે સત્યજનોને માટે ખરું ડહાપણ સંગ્રહ કરી રાખે છે, પ્રામાણિકપણાથી વર્તનારને તે ઢાલરૂપ છે.

તે ન્યાયના માર્ગની રક્ષા કરે છે અને પોતાના વિશ્વાસુ લોકોની કાળજી લે છે.

ત્યારે તું નેકી, ન્યાય તથા ઇનસાફને, હા, દરેક સત્યમાર્ગને સમજશે.

૧૦તારા હૃદયમાં ડહાપણ પ્રવેશ કરશે અને સમજ તારા આત્માને આનંદકારક લાગશે.

૧૧વિવેકબુદ્ધિ તારું ધ્યાન રાખશે, બુદ્ધિ તારું રક્ષણ કરશે.

૧૨તેઓ તને દુષ્ટ માણસોના માર્ગમાંથી, ખોટું બોલનાર માણસો કે,

૧૩જેઓ સદાચારના માર્ગ તજીને અંધકારનાં માર્ગોમાં ચાલે છે.

૧૪જ્યારે તેઓ દુષ્ટતા કરે છે ત્યારે તેઓ તે કરવામાં આનંદ માણે છે અને દુષ્ટ માણસોનાં વિપરીત આચરણોથી હરખાય છે.

૧૫તેઓ આડા માર્ગોને અનુસરે છે અને જેમના રસ્તા અવળા છે, તેમનાથી તેઓ તને ઉગારશે.

૧૬વળી ડહાપણ તથા વિવેકબુદ્ધિ તને અનૈતિક સ્ત્રીથી, એટલે પોતાના શબ્દોથી મોહ પમાડનાર પરસ્ત્રીથી બચાવશે.

૧૭તે પોતાના જુવાનીનાં સાથીને તજી દે છે અને ઈશ્વરની આગળ કરેલો પોતાનો કરાર ભૂલી જાય છે.

૧૮કેમ કે તેનું ઘર મૃત્યુની ખીણ તરફ અને તેનો માર્ગ મૃત્યુ તરફ જાય છે.

૧૯તેની પાસે જનારાઓમાંથી કોઈ પાછો ફરતો નથી અને તેઓ જીવનનો માર્ગ સંપાદન કરી શકતા નથી.

૨૦તેથી તું સજ્જનોના માર્ગમાં ચાલશે અને નેક લોકોનો રસ્તો પકડી રાખશે.

૨૧કેમ કે પ્રામાણિક માણસો જ દેશમાં ઘર બાંધશે અને પ્રામાણિક માણસો તેમાં વિદ્યમાન રહેશે.

૨૨પણ દુર્જનો દેશમાંથી નાબૂદ થશે અને અવિશ્વાસુઓને તેમાંથી ઉખેડી નાખવામાં આવશે.

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.