Skip to content
Methodist Church Nadiad

નીતિવચનો ૨૭

100%

આવતી કાલની બડાશ મારીશ નહિ, કારણ કે આવતીકાલે શું થઈ જશે તે તું જાણતો નથી.

બીજો માણસ તારાં વખાણ ભલે કરે, પણ તું તારે મુખે તારાં વખાણ ન કર; પારકા કરે તો ભલે, પણ તારા પોતાના હોઠ ન કરે.

પથ્થર વજનદાર હોય છે અને રેતી ભારે હોય છે; પણ મૂર્ખની ઉશ્કેરણી બંને કરતાં ભારે હોય છે.

ક્રોધ ક્રૂર છે અને કોપ રેલરૂપ છે, પણ ઈર્ષ્યા આગળ કોણ ટકી શકે?

છુપાવેલા પ્રેમ કરતાં ઉઘાડો ઠપકો સારો છે.

મિત્રના ઘા પ્રામાણિક હોય છે, પણ દુશ્મનનાં ચુંબન ખુશામતથી ભરેલા હોય છે.

ધરાયેલાને મધ પણ કડવું લાગે છે, પણ ભૂખ્યાને દરેક કડવી વસ્તુ પણ મીઠી લાગે છે.

પોતાનું ઘર છોડીને ભટકતી વ્યક્તિ જેણે પોતાનો માળો છોડી દીધો હોય તેવા પક્ષી જેવી છે.

જેમ સુગંધીથી અને અત્તરથી મન પ્રસન્ન થાય છે, તેમ અંત:કરણથી સલાહ આપનાર મિત્રની મીઠાશથી પણ થાય છે.

૧૦તારા પોતાના મિત્રને તથા તારા પિતાના મિત્રને તજીશ નહિ; વિપત્તિને સમયે તારા ભાઈના ઘરે ન જા. દૂર રહેતા ભાઈ કરતાં નજીકનો પડોશી સારો છે.

૧૧મારા દીકરા, જ્ઞાની થા અને મારા હૃદયને આનંદથી ભરી દે, જેથી મને મહેણાં મારનારને હું જવાબ આપી શકું.

૧૨શાણો માણસ આફતને આવતી જોઈને તેને ટાળે છે, પણ મૂર્ખ માણસ આગળ વધતો રહે છે અને તેને લીધે સહન કરે છે.

૧૩અજાણ્યા માટે જામીનગીરી આપનારનું વસ્ત્ર લઈ લે અને જો તે દુરાચારી સ્ત્રીનો જામીન થાય; તો તેને જવાબદારીમાં રાખ.

૧૪જે કોઈ પરોઢિયે ઊઠીને પોતાના મિત્રને મોટે સાદે આશીર્વાદ આપે છે, તે તેને શાપ સમાન લાગશે.

૧૫ચોમાસામાં વરસાદનું સતત વરસવું તથા કજિયાળી સ્ત્રી એ બંને સરખાં છે.

૧૬જે તેને રોકી શકે તે પવનને રોકી શકે, અથવા પોતાના જમણા હાથમાં લગાડેલા તેલની સુગંધ પણ પકડી શકે.

૧૭લોઢું લોઢાને ધારદાર બનાવે છે; તેમ એક મિત્ર બીજા મિત્રને તેજ બનાવે છે.

૧૮જે કોઈ અંજીરી સાચવે છે તે અંજીર ખાશે અને જે પોતાના માલિકની કાળજી રાખે છે તે માન પામે છે.

૧૯જેમ માણસના ચહેરાની પ્રતિમા પાણીમાં પડે છે, તેવી જ રીતે એક માણસના હૃદયનું પ્રતિબિંબ બીજા માણસ પર પડે છે.

૨૦જેમ શેઓલ અને વિનાશ કદી તૃપ્ત થતાં નથી; તે જ રીતે માણસની આંખો કદી તૃપ્ત થતી નથી.

૨૧ચાંદી ગાળવા સારુ કુલડી અને સોનાને માટે ભઠ્ઠી હોય છે; તેમ માણસની પરીક્ષા તેની પ્રશંસા ઉપરથી થાય છે.

૨૨જો તું મૂર્ખને ખાંડણિયામાં નાખીને ખંડાતા દાણા સાથે સાંબેલાથી ખાંડે, તોપણ તેની મૂર્ખાઈ તેનાથી જુદી પડવાની નથી.

૨૩તારાં ઘેટાંબકરાંની પરિસ્થિતિ જાણવાની કાળજી રાખ અને તારાં જાનવરની યોગ્ય દેખરેખ રાખ.

૨૪કેમ કે દ્રવ્ય સદા ટકતું નથી. શું મુગટ વંશપરંપરા ટકે છે?

૨૫સૂકું ઘાસ લઈ જવામાં આવે છે કે તરત ત્યાં કુમળું ઘાસ ઊગી નીકળે છે અને પર્વત પરની વનસ્પતિનો સંગ્રહ કરવામાં આવે છે.

૨૬ઘેટાં તારા વસ્ત્રોને અર્થે હોય છે અને બકરાં તારા ખેતરનું મૂલ્ય છે.

૨૭વળી બકરીઓનું દૂધ તારે માટે, તારા કુટુંબને માટે અને તારી દાસીઓના ગુજરાન માટે પૂરતું થશે.

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.