ગીતશાસ્ત્ર ૨૧
૧હે યહોવાહ, તમારા સામર્થ્યથી રાજા હર્ષ પામશે! તમે કરેલા ઉદ્ધારથી તે કેટલો બધો આનંદ કરશે!
૨તમે તેને તેના હૃદયની ઇચ્છા પ્રમાણે આપ્યું છે તેના હોઠની અરજીનો ઇનકાર તમે કર્યો નથી.
૩કારણ કે આશીર્વાદો લઈને તમે તેની સામે જાઓ છો; તમે ચોખ્ખા સોનાનો મુગટ તેના માથા પર મૂકો છો.
૪તેણે તમારી પાસેથી જીવનદાન માગ્યું; તે તમે તેને આપ્યું; તમે તેને સર્વકાળ ટકે એવું આયુષ્ય આપ્યું.
૫તમારા મહિમાથી તેને વિજય મળે છે; તમે તેને માન તથા મહિમા બક્ષો છો.
૬કારણ કે તમે તેને સદાને માટે આશીર્વાદ આપો છો; તમે તેને તમારી સમક્ષ આનંદ પમાડો છો.
૭કારણ કે રાજા યહોવાહ પર ભરોસો રાખે છે; તે પરાત્પરની કૃપાથી ડગશે નહિ.
૮તારા સર્વ શત્રુઓ તારા હાથમાં આવશે; તારો જમણો હાથ તારા દ્વ્રેષીઓને શોધી કાઢશે.
૯તું તારા ગુસ્સાના સમયે તેઓને બળતી ભઠ્ઠી જેવા કરી દેશે. યહોવાહ પોતાના કોપથી તેઓને ગળી જશે અને અગ્નિ તેઓને ભસ્મ કરી નાખશે.
૧૦તમે પૃથ્વી પરના તેઓના પરિવારોનો વિનાશ કરશો; મનુષ્યોમાંથી તેમના વંશજો નાશ પામશે.
૧૧કારણ કે તેઓએ તમારી વિરુદ્ધ દુષ્ટતા કરવાનું ધાર્યું છે; જેને તેઓ અમલમાં લાવી શકતા નથી, એવી યુક્તિ તેઓએ કલ્પી છે.
૧૨તમે તમારી પાછળથી તેઓનાં મુખ સામે તૈયારી કરશો, ત્યારે તેઓને પાછા હઠી જવું પડશે.
૧૩હે યહોવાહ, તમે પોતાને સામર્થ્યે ઊંચા થાઓ; અમે તમારા પરાક્રમનાં સ્તોત્ર ગાઈને સ્તવન કરીશું.
