ગીતશાસ્ત્ર ૬૫
૧હે ઈશ્વર, સિયોનમાં તમારી સ્તુતિ થાય તે ઘટિત છે; અમારી પ્રતિજ્ઞા તમારી આગળ પૂરી કરવામાં આવશે.
૨હે પ્રાર્થનાના સાંભળનાર, તમારી પાસે સર્વ લોક આવશે.
૩ભૂંડાઈની વાતો અમારા પર જય પામે છે; અમારા અપરાધો માટે, અમને માફ કરશો.
૪જેને તમે પસંદ કરીને પાસે લાવો છો જે તમારાં આંગણાંમાં રહે છે તે આશીર્વાદિત છે. અમે તમારા ઘરની ઉત્તમતાથી તૃપ્ત થઈશું, જે તમારું સભાસ્થાન છે.
૫હે અમારા તારણના ઈશ્વર; ન્યાયીકરણથી તમે અદ્ભૂત કૃત્યો વડે અમને ઉત્તર આપશો, તમે પૃથ્વીની સર્વ સીમાઓના અને દૂરના સમુદ્રો સુધી તમે સર્વના આશ્રય છો.
૬તેમણે પોતાને બળે પર્વતો સ્થાપ્યા, તેઓ સામર્થ્યથી ભરપૂર છે.
૭તે સમુદ્રની ગર્જના, તેઓનાં મોજાંના ઘુઘવાટ શાંત કરે છે અને લોકોનો ગભરાટ પણ શાંત પાડે છે.
૮પૃથ્વીની સરહદના રહેનારાઓ પણ તમારાં અદ્દભુત કાર્યોથી બીએ છે; તમે પૂર્વ તથા પશ્ચિમ દિશાના લોકોને પણ આનંદમય કરો છો.
૯તમે પૃથ્વીની સહાય કરો છો; તમે તેને પાણીથી સિંચો છો; તમે તેને ઘણી ફળદ્રુપ કરો છો; ઈશ્વરની નદી પાણીથી ભરેલી છે; જ્યારે તમે પૃથ્વીને તૈયાર કરી, ત્યારે તમે મનુષ્યોને અનાજ પૂરું પાડ્યું.
૧૦તમે તેના ચાસોને પુષ્કળ પાણી આપો છો; તમે તેના ઊમરાઓને સપાટ કરો છો; તમે ઝાપટાંથી તેને નરમ કરો છો; તેના ઊગતા ફણગાને તમે આશીર્વાદ આપો છો.
૧૧તમે વર્ષને પુષ્કળ ફસલથી આશીર્વાદિત કરો છો; તમારા માર્ગોમાંથી સમૃદ્ધિ વર્ષે છે.
૧૨અરણ્યનાં બીડો પર તે ટપકે છે અને ટેકરીઓ આનંદમય થાય છે.
૧૩ઘાસનાં બીડો ઘેટાંઓનાં ટોળાંથી ઢંકાઈ જાય છે; ખીણોની સપાટીઓ પણ અનાજથી ઢંકાયેલી છે; તેઓ આનંદથી પોકારે છે અને તેઓ ગાયન કરે છે.
