કરિંથીઓને બીજો પત્ર ૩
૧શું અમે ફરી પોતાની પ્રશંસા કરીએ છીએ? કે શું જેમ બીજા કેટલાકને તેમ, અમને તમારા ઉપર કે તમારી પાસેથી, ભલામણના પત્રો જોઈએ છે?
૨અમારા હૃદયમાં લખેલો અને સર્વ માણસથી જણાયેલો તથા વંચાયેલો એવો અમારો પત્ર તો તમે છો.
૩તમે ખ્રિસ્તનાં પત્રની જેમ દેખાઓ છો જેની અમે સેવા કરેલી; તે શાહીથી નહિ પણ જીવતા ઈશ્વરના આત્માથી, પથ્થરની પાટીઓ પર નહિ પણ માનવીય હૃદયરૂપી પાટીઓ પર લખેલો છે.
૪એવો ભરોસો ખ્રિસ્તને આશરે અમને ઈશ્વર પર છે.
૫અમે પોતે પોતાનાથી કંઈ વિચારવા સમર્થ છીએ એવું નથી; પણ અમારું સામર્થ્ય ઈશ્વરથી છે;
૬તેમણે પણ અમને નવા કરારના, એટલે અક્ષરના નહિ પણ આત્માનાં, યોગ્ય સેવકો કર્યા, કેમ કે અક્ષર મારી નાખે છે, પણ આત્મા જીવાડે છે.
૭અને મરણની સેવા જેનાં અક્ષરો પથ્થરો પર કોતરેલા હતા; તે જો એટલી ગૌરવવાળી હતી કે ઇઝરાયલી લોકો મૂસાના મુખ પરનું તેજ જે ટળી જનારું હતું તે તેજને લીધે તેના મુખ પર ધારીને જોઈ શક્યાં નહિ.
૮તો તે કરતાં આત્માની સેવા વધતી મહિમાવાન કેમ ન હોય?
૯કેમ કે જો દંડાજ્ઞાની સેવાનો મહિમા હતો, તો ન્યાયીપણાની સેવા મહિમામાં કેટલી બધી અધિક છે!
૧૦અને ખરેખર, જે મહિમાવંત થયેલું હતું તે કરતાં બીજું અધિક મહિમાવંત થયાના કારણથી જાણે મહિમારહિત થયું.
૧૧કેમ કે જે ટળી જવાનું હતું તે જો મહિમાવંત હતું, તો જે કાયમ ટકનાર તેનો મહિમા કેટલો વિશેષ છે!
૧૨એ માટે અમને એવી આશા હોવાથી, અમે બહુ નિર્ભયતાથી બોલીએ છીએ;
૧૩અને મૂસાની જેમ નહિ, કે જેણે ઇઝરાયલના દીકરાઓ ટળી જનારાં મહિમાનો અંત પણ નિહાળે નહિ માટે પોતાના મુખ પર પડદો નાખ્યો.
૧૪પણ તેઓના મન કઠણ થયાં; કેમ કે આજ સુધી જૂનો કરાર વાંચતા તે પડદો એમનો એમ જ રહે છે; પણ તે તો ખ્રિસ્તમાં દૂર કરવામાં આવે છે.
૧૫પણ આજ સુધી જયારે તેઓ મૂસાનાં પુસ્તકો વાંચે છે ત્યારે તેઓના હૃદય પર પડદો રહે છે;
૧૬પણ જયારે તે પ્રભુની તરફ ફરશે, ત્યારે તે પડદો ખસેડી નાખવામાં આવશે.
૧૭હવે પ્રભુ તે આત્મા છે; અને જ્યાં પ્રભુનો આત્મા છે ત્યાં સ્વતંત્રતા છે.
૧૮પણ આપણે સહુ ઉઘાડે મુખે જેમ આરસીમાં, તેમ પ્રભુના મહિમાને નિહાળીને, પ્રભુના આત્માથી તે જ રૂપમાં અધિકાધિક મહિમા ધારણ કરતાં રૂપાંતર પામીએ છીએ.
