ગીતશાસ્ત્ર ૧૩૫
૧યહોવાહની સ્તુતિ કરો. યહોવાહના નામની સ્તુતિ કરો. હે યહોવાહના સેવકો, તમે તેમની સ્તુતિ કરો.
૨યહોવાહના ઘરમાં, આપણા ઈશ્વરના ઘરના, આંગણાંમાં ઊભા રહેનારા તેમની સ્તુતિ કરો.
૩યહોવાહની સ્તુતિ કરો, કારણ કે તે ઉત્તમ છે; તેમના નામની સ્તુતિ કરો, કારણ કે તેમ કરવું આનંદદાયક છે.
૪કેમ કે યહોવાહે પોતાને માટે યાકૂબને પસંદ કર્યો છે, ઇઝરાયલ ખાસ તેમની સંપત્તિ છે.
૫હું જાણું છું કે યહોવાહ મહાન છે, આપણા પ્રભુ સર્વ દેવો કરતાં તે મહાન છે.
૬આકાશમાં તથા પૃથ્વી પર, સમુદ્રોમાં અને સર્વ મહાસાગરના ઊંડાણોમાં યહોવાહને જે જે સારું લાગ્યું, તે સર્વ તેમણે કર્યું છે.
૭તે પાણીની વરાળને ઊંચે લઈ જઈ તેનાં વાદળાં ચઢાવે છે, તે વીજળી મોકલી વરસાદને વરસાવે છે અને પોતાના ખજાનામાંથી તે વાયુને બહાર કાઢે છે.
૮મિસરમાં તેમણે માણસોના તથા પશુઓના પ્રથમજનિતોનો નાશ કર્યો.
૯તેમણે ફારુન અને તેના સેવકોની વિરુદ્ધ પોતાના ચિહ્નો તથા ચમત્કારો સમગ્ર મિસરમાં મોકલ્યાં.
૧૦તેમણે ઘણી પ્રજાઓ પર હુમલો કર્યો અને પરાક્રમી રાજાઓને મારી નાખ્યા,
૧૧અમોરીઓના રાજા સીહોનને અને બાશાનના રાજા ઓગને અને કનાનના સર્વ રાજ્યોને તેમણે માર્યાં.
૧૨તેમના દેશને તેમણે પોતાના લોક ઇઝરાયલને વારસામાં આપ્યો.
૧૩હે યહોવાહ, તમારું નામ અનંતકાળ ટકનાર છે, હે યહોવાહ, તમારું સ્મરણ પેઢી દરપેઢી ટકી રહેનાર છે.
૧૪કેમ કે યહોવાહ પોતાના લોકોનો ન્યાય કરશે અને તે પોતાના સેવકો પ્રત્યે દયાળુ થશે.
૧૫વિદેશીઓની મૂર્તિઓ તો સોનાચાંદીની છે, તેઓ માણસોના હાથથી જ બનેલી છે.
૧૬તે મૂર્તિઓને મુખ છે, પણ તેઓ બોલતી નથી; તેઓને આંખો છે, પણ તેઓ જોઈ શકતી નથી.
૧૭તેઓને કાન છે, પણ તેઓ સાંભળતી નથી, તેઓનાં મુખમાં શ્વાસ નથી.
૧૮જેઓ તેને બનાવે છે તેઓ પણ તેના જેવા જ થશે, જેઓ તેમના પર ભરોસો રાખે છે તેઓ પણ તેના જેવા જ થશે.
૧૯હે ઇઝરાયલના વંશજો, યહોવાહની સ્તુતિ કરો; હે હારુનના વંશજો, યહોવાહની સ્તુતિ કરો.
૨૦હે લેવીના વંશજો, યહોવાહની સ્તુતિ કરો; હે યહોવાહના ભક્તો, યહોવાહની સ્તુતિ કરો.
૨૧સિયોનમાં યહોવાહની સ્તુતિ કરો, જે યરુશાલેમમાં રહે છે. તે યહોવાહની સ્તુતિ કરો.
