ગણના ૩૧
૧યહોવાહે મૂસાને કહ્યું,
૨“ઇઝરાયલી લોકોનો બદલો તું મિદ્યાનીઓ પાસેથી લે. તેવું કર્યા પછી તું તારા લોકો સાથે ભળી જઈશ.”
૩તેથી મૂસાએ લોકોને કહ્યું, “તમારામાંથી કેટલાક માણસો શસ્ત્રસજજ થઈને યહોવાહ તરફથી મિદ્યાનીઓ પાસેથી બદલો લેવા મિદ્યાનીઓ ઉપર હુમલો કરો.
૪ઇઝરાયલના પ્રત્યેક કુળમાંથી એક હજાર સૈનિકોને યુદ્ધમાં મોકલવા.”
૫ઇઝરાયલના હજારો પુરુષોમાંથી પ્રત્યેક કુળમાંથી એક હજાર પુરુષ મુજબ મૂસાએ બાર હજાર પુરુષોને શસ્ત્રસજજ કરીને યુદ્ધને માટે મોકલ્યા.
૬પછી મૂસાએ દરેક કુળમાંથી હજાર પુરુષોને યુદ્ધમાં મોકલ્યા, એલાઝાર યાજકના દીકરા ફીનહાસને પવિત્રસ્થાનનાં પાત્રો તથા યુદ્ધનાદ કરવાના રણશિંગડાં લઈને યુદ્ધમાં મોકલ્યો.
૭યહોવાહે જેમ મૂસાને આજ્ઞા આપી હતી તેમ તેઓએ મિદ્યાનીઓ વિરુદ્ધ લડાઈ કરી. તેઓએ તમામ માણસોને મારી નાખ્યા.
૮યુદ્ધમાં માર્યા ગયેલા ઉપરાંત તેઓએ મિદ્યાનીઓના રાજા અવી, રેકેમ, સૂર, હૂર તથા રેબા એ પાંચ મિદ્યાની રાજાઓને મારી નાખ્યા. વળી તેઓએ બેઓરના દીકરા બલામને પણ તલવારથી મારી નાખ્યો.
૯ઇઝરાયલના સૈન્યએ મિદ્યાની સ્ત્રીઓને તથા તેઓનાં બાળકોને કેદ કરી લીધાં, તેઓનાં ઘેટાંબકરાં સહિત તમામ જાનવરોને તથા તેઓના બધા સરસામાનને લૂંટી લીધાં. આ બધું તેઓએ લૂંટ તરીકે આંચકી લીધું.
૧૦જ્યાં તેઓ રહેતા હતા તે બધાં નગરોને તથા તેઓની બધી છાવણીઓને તેઓએ બાળી નાખ્યાં.
૧૧તેઓએ કેદીઓ એટલે માણસ તથા પશુઓ બન્નેની લૂંટફાટ લીધી.
૧૨તેઓ કેદીઓને તથા લૂંટ કરેલી વસ્તુઓને મૂસા, એલાઝાર યાજક તથા ઇઝરાયલ લોકોની જમાત પાસે લાવ્યા. આ બધું તેઓ મોઆબના મેદાનમાં યરીખોની સામે યર્દન નદીને કિનારે આવેલી છાવણીમાં લાવ્યા.
૧૩મૂસા, એલાઝાર યાજક તથા જમાતના આગેવાનો તેઓને મળવા માટે છાવણી બહાર આવ્યા.
૧૪પણ મૂસા સૈન્યના અધિકારી, સહસ્રાધિપતિ તથા શતાધિપતિ જેઓ યુદ્ધમાંથી આવ્યા હતા તેઓ પર ગુસ્સે હતો.
૧૫મૂસાએ તેઓને કહ્યું, “શું તમે બધી સ્ત્રીઓને જીવતી રહેવા દીધી છે?
૧૬જુઓ, આ સ્ત્રીઓએ બલામની સલાહથી ઇઝરાયલી લોકો પાસે, પેઓરની બાબતમાં યહોવાહની વિરુદ્ધ પાપ કર્યું, તેથી યહોવાહની જમાત મધ્યે મરકી ચાલી.
૧૭તો હવે, બાળકો મધ્યેથી દરેક પુરુષને મારી નાખો, દરેક સ્ત્રી જે પુરુષ સાથે સૂઈ ગઈ હોય તેને મારી નાખો.
૧૮પણ તમારા માટે દરેક જુવાન કન્યાઓ લો જે ક્યારેય કોઈ માણસ સાથે સૂઈ ગઈ ના હોય.
૧૯તમે સાત દિવસ સુધી છાવણીની બહાર એટલે ઇઝરાયલની છાવણીની બહાર રહો. તમારામાંના જે કોઈએ કોઈને મારી નાખ્યો હોય કે કોઈએ મરણ પામેલાનો સ્પર્શ કર્યો હોય, ત્રીજા દિવસે તથા સાતમા દિવસે તું તથા તારા કેદીઓ પોતાને શુદ્ધ કરો.
૨૦તમારાં બધાં વસ્ત્ર, ચામડાની તથા બકરાના વાળથી બનેલી દરેક વસ્તુ તથા લાકડાની બનાવેલી દરેક વસ્તુથી પોતાને શુદ્ધ કરો.”
૨૧જે સૈનિકો યુદ્ધમાં ગયા હતા તેઓને એલાઝાર યાજકે કહ્યું, “યહોવાહે મૂસાને જે નિયમ આપ્યો તે આ છે:
૨૨સોનું, ચાંદી, કાંસું, લોખંડ, કલાઈ અને સીસું,
૨૩જે દરેક વસ્તુ અગ્નિનો સામનો કરી શકે, તે તમે અગ્નિમાં નાખો અને તે શુદ્ધ થશે. શુદ્ધિના પાણી વડે તે વસ્તુઓ શુદ્ધ કરવામાં આવે. જે કંઈ અગ્નિમાં ટકી ન શકે તેને તમે પાણીથી શુદ્ધ કરો.
૨૪અને સાતમા દિવસે તમે તમારા વસ્ત્રો ધોઈ નાખો, ત્યાર પછી તમે શુદ્ધ થશો. ત્યાર પછી તમે ઇઝરાયલની છાવણીમાં પાછા આવો.”
૨૫યહોવાહે મૂસાને કહ્યું,
૨૬“તું, એલાઝાર યાજક, જમાતના પિતૃઓના કુળના આગેવાનો મળીને, જે માણસો તથા પશુઓ કે જેઓની લૂંટ કરવામાં આવી તેઓની ગણતરી કરો.
૨૭લૂંટના બે ભાગ પાડો. તેને જે સૈનિકો યુદ્ધમાં ગયા હતા તેઓ તથા બાકીની આખી જમાત વચ્ચે વહેંચો.
૨૮જે સૈનિકો યુદ્ધમાં ગયા હતા તેઓ પાસેથી કર લઈને મને આપો. દરેક પાંચસો પશુઓમાંથી એક પશુ, એટલે માણસોમાંથી તથા જાનવરોમાંથી, ગધેડામાંથી, ઘેટાં કે બકરામાંથી લેવાં.
૨૯તેઓના અડધામાંથી તે લો અને મારા માટે ઉચ્છાલીયાર્પણ તરીકે એલાઝાર યાજકને તે આપો.
૩૦ઇઝરાયલી લોકોના અડધામાંથી, દર પચાસ વ્યક્તિમાંથી, ગધેડાંમાંથી, ઘેટા તથા બકરામાંથી તથા અન્ય જાનવરોમાંથી લેવાં. જે લેવીઓ યહોવાહના મંડપની સંભાળ લે છે તેઓને આપો.”
૩૧તેથી યહોવાહે આજ્ઞા કરી હતી તે પ્રમાણે મૂસાએ તથા યાજક એલાઝારે કર્યું.
૩૨સૈનિકોએ જે લૂંટ લીધી હતી તેની યાદી: છ લાખ પંચોતેર હજાર ઘેટાં,
૩૩બોતેર હજાર બળદો,
૩૪એકસઠ હજાર ગધેડાં,
૩૫બત્રીસ હજાર સ્ત્રીઓ જે ક્યારેય કોઈ માણસ સાથે સૂઈ ગઈ ન હતી.
૩૬યુદ્ધમાં ગયેલા સૈનિકોને લૂંટમાંથી જે અડધો ભાગ મળ્યો તે ત્રણ લાખ સાડત્રીસ હજાર ઘેટાં હતાં.
૩૭ઘેટાંમાંથી યહોવાહનો ભાગ છસો પંચોતેર હતો.
૩૮છત્રીસ હજાર બસો બળદમાંથી યહોવાહનો કર બોતેર હતો.
૩૯ત્રીસ હજારને પાંચસો ગધેડાં; જેમાંથી યહોવાહનો ભાગ એકસઠ હતો.
૪૦જે માણસો સોળ હજાર હતા જેમાંથી યહોવાહનો કર બત્રીસ માણસોનો હતો.
૪૧યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે પ્રમાણે મૂસાએ એ કર એટલે યહોવાહનું ઉચ્છાલીયાર્પણ એલાઝાર યાજકને આપ્યું.
૪૨ઇઝરાયલી લોકોનો જે અડધો ભાગ મૂસાએ યુદ્ધમાં ગયેલા સૈનિકો પાસેથી લીધો હતો તે,
૪૩જમાતનો અડધા ભાગમાં ત્રણ લાખ સાડત્રીસ હજાર પાંચસો ઘેટાં,
૪૪છત્રીસ હજાર બળદો,
૪૫ત્રીસ હજાર પાંચસો ગધેડાં,
૪૬સોળ હજાર માણસો હતાં.
૪૭જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ મૂસાએ ઇઝરાયલી લોકોના અડધા ભાગમાંથી દરેક પચાસ માણસમાંથી તથા પશુઓમાંથી એક લઈને યહોવાહના મંડપની સંભાળ રાખનાર લેવીઓને તે આપ્યાં.
૪૮પછી સૈન્યના સેનાપતિઓ, સહસ્રાધિપતિઓ તથા શતાધિપતિઓ મૂસા પાસે આવ્યા.
૪૯તેઓએ મૂસાને કહ્યું, “જે સૈનિકો અમારા હાથ નીચે છે તેઓની તારા દાસોએ ગણતરી કરી છે, એક પણ માણસ ઓછો થયો નથી.
૫૦અમારા માટે યહોવાહની આગળ પ્રાયશ્ચિત કરવાને સારુ દરેક માણસને જે મળ્યું તે અમે યહોવાહને સારુ અર્પણ કરવાને લાવ્યા છીએ, એટલે સોનાનાં ઘરેણાં, સાંકળા, બંગડીઓ, વીંટીઓ, બુટીઓ તથા હારો લાવ્યા છીએ.”
૫૧મૂસાએ તથા યાજક એલાઝાર યાજકે તેઓની પાસેથી સોનું તથા હાથે ઘડેલાં સર્વ પાત્રો લીધાં.
૫૨ઉચ્છાલીયાર્પણનું સોનું સહસ્રાધિપતિઓ તથા શતાધિપતિઓ પાસેથી યહોવાહને ચઢાવ્યું તેનું વજન સોળ હજાર સાતસો પચાસ શેકેલ હતું.
૫૩દરેક સૈનિકે પોતપોતાને માટે લૂંટ લઈ લીધી હતી.
૫૪મૂસા તથા એલાઝાર યાજક સહસ્રાધિપતિ તથા શતાધિપતિઓ પાસેથી સોનું લઈને યહોવાહ માટે ઇઝરાયલ લોકોના સ્મરણાર્થે મુલાકાતમંડપમાં લાવ્યા.
