ગીતશાસ્ત્ર ૧૦૮
૧હે ઈશ્વર, મેં મારું હૃદય દૃઢ કર્યું છે; હું મારા અંતઃકરણથી ગીત ગાઈશ અને સ્તુતિ કરીશ.
૨વીણા, સિતાર, જાગો; હું જાતે પરોઢિયાને જગાડીશ.
૩હે યહોવાહ, હું લોકોમાં તમારો આભાર માનીશ; પ્રજાઓમાં હું તમારાં સ્તોત્ર ગાઈશ.
૪કારણ કે તમારી કૃપા આકાશો કરતાં ઊંચી છે; અને તમારું વિશ્વાસુપણું આભ સુધી પહોંચે છે.
૫હે ઈશ્વર, તમે આકાશો કરતાં ઊંચા મનાઓ અને તમારું ગૌરવ આખી પૃથ્વી કરતાં ઊંચું મનાઓ.
૬કે જેથી જેઓ તમને પ્રેમ કરે છે તેઓનો છૂટકો થાય, તમારા જમણા હાથથી અમને છોડાવો અને ઉત્તર આપો.
૭ઈશ્વર પોતાની પવિત્રતાએ બોલ્યા છે; “હું હરખાઈશ; હું શખેમના ભાગ કરીશ અને સુક્કોથની ખીણ વહેંચી આપીશ.
૮ગિલ્યાદ મારું છે અને મનાશ્શા મારું છે; એફ્રાઇમ મારા માથાનો ટોપ છે; યહૂદિયા મારો રાજદંડ છે.
૯મોઆબ મારા હાથ ધોવાનો કૂંડ છે; અદોમ ઉપર હું મારાં પગરખાં ફેંકીશ; પલિસ્તીઓને કારણે હું વિજયમાં આનંદ કરીશ.
૧૦મને કોટબંધ નગરમાં કોણ લઈ જશે? મને અદોમમાં કોણ દોરી જશે?”
૧૧હે ઈશ્વર, શું તમે અમને તરછોડ્યા નથી? તમે અમારા સૈન્યોની સાથે બહાર આવતા નથી.
૧૨અમને અમારા શત્રુઓ સામે મદદ કરો, કેમ કે માણસની મદદ તો મિથ્યા છે.
૧૩અમે ઈશ્વરની સહાયથી પરાક્રમો કરીશું; તે જ અમારા શત્રુઓને કચડી નાખશે.
