ગીતશાસ્ત્ર ૭૩
૧ઇઝરાયલ કે, જેઓનાં હૃદય શુદ્ધ છે, તેઓના પર, ઈશ્વર ખરેખર પરોપકારી છે.
૨પણ મેં તો મારે પગે લગભગ ઠોકર ખાધી હતી; હું પગલાં ભરતાં લગભગ લપસી ગયો હતો.
૩કારણ કે જ્યારે મેં દુષ્ટોની સમૃદ્ધિ જોઈ, ત્યારે મેં ગર્વિષ્ઠોની અદેખાઈ કરી.
૪કેમ કે મરણ સમયે તેઓને વેદના થતી નથી, પણ તેઓ મજબૂત અને દ્રઢ રહે છે.
૫તેઓના પર માનવજાતનાં દુ:ખો આવતાં નથી; બીજાઓની જેમ તેઓને પીડા થતી નથી.
૬તેઓનો ગર્વ ગળાની કંઠી જેવો છે, જે વસ્ત્રની જેમ જુલમ તેઓને ઢાંકી રાખે છે.
૭તેઓની દુષ્ટતા તેઓનાં હૃદયમાંથી ઊભરાયા કરે છે; તેઓના મનની દુષ્ટ કલ્પનાઓ ઊભરાઈ જાય છે.
૮તેઓ નિંદા કરે છે અને ભૂંડાઈ વિષે બોલે છે; તેઓ જુલમની બડાઈ હાંકે છે.
૯તેઓ આકાશો વિરુદ્ધ બોલે છે અને પૃથ્વીમાં તેઓની જીભ છૂટથી ચાલે છે.
૧૦એ માટે ઈશ્વરના લોકો તેમની તરફ ફરશે અને તેઓ ઊભરાતું પાણી પી જાય છે .
૧૧તેઓ પૂછે છે કે, “ઈશ્વર કેવી રીતે જાણે છે? શું ચાલી રહ્યું છે તે વિષે ઈશ્વર માહિતગાર છે?”
૧૨જુઓ, આ લોકો દુષ્ટ છે; હંમેશાં શાંતિમાં રહીને તેઓ વધારે અને વધારે ધનવાન થતા જાય છે.
૧૩ખરેખર મેં મારું હૃદય અમથું શુદ્ધ રાખ્યું છે અને મેં મારા હાથ નિરર્થક નિર્દોષ રાખ્યા છે.
૧૪કારણ કે આખો દિવસ હું પીડાયા કરું છું અને દરરોજ સવારે મને શિક્ષા થાય છે.
૧૫જો મેં કહ્યું હોત, “હું આ પ્રમાણે બોલીશ,” તો હું તમારા દીકરાઓની પેઢીનો વિશ્વાસઘાત કરત.
૧૬તો પણ આ બાબતો સમજવાને માટે મેં કોશિશ કરી, એ મારા માટે ખૂબ અઘરી હતી.
૧૭પછી હું ઈશ્વરના પવિત્રસ્થાનમાં ગયો અને ત્યાં તેઓના અંત વિષે હું સમજ્યો.
૧૮ચોક્કસ તમે તેઓને લપસણી જગ્યામાં મૂકો છો; તમે તેઓનો વિનાશ કરો છો.
૧૯તેઓ એક ક્ષણમાં કેવા નષ્ટ થાય છે! તેઓ ધાકથી છેક નાશ પામેલા છે.
૨૦માણસ જાગે કે તરત જ તે જેમ સ્વપ્ન હતું ન હતું થઈ જાય છે, તેમ, હે પ્રભુ, તમે જાગીને તેઓની પ્રતિમાને તુચ્છ કરશો.
૨૧કેમ કે મારું હૃદય વ્યાકુળ થયું અને હું બહુ ગંભીર રીતે ઝખમી થયો છું.
૨૨હું એવો જડબુદ્ધિનો તથા અજ્ઞાન હતો; હું તમારી આગળ પશુ જેવો હતો.
૨૩પણ હું હંમેશા તમારી સાથે છું; તમે મારો જમણો હાથ પકડી રાખ્યો છે.
૨૪તમારા બોધથી મને દોરવણી આપશો અને પછી તમારા મહિમામાં મારો સ્વીકાર કરશો.
૨૫આકાશમાં તમારા વિના મારું બીજું કોણ છે? પૃથ્વી પર મારો બીજો કોઈ પ્રિય નથી.
૨૬મારું શરીર તથા હૃદયનો ક્ષય થાય છે, પણ ઈશ્વર સદાકાળ મારા હૃદયનો ગઢ તથા વારસો છે.
૨૭જેઓ તમારાથી દૂર છે તેઓ નાશ પામશે; જેઓ તમને અવિશ્વાસુ છે તે સર્વનો તમે નાશ કરશો.
૨૮પણ ઈશ્વર પાસે આવવું, તેમાં મારું ભલું છે. મેં પ્રભુ યહોવાહને મારો આશ્રય કર્યો છે. હું તમારાં સર્વ કૃત્યો પ્રગટ કરીશ.
