Skip to content
Methodist Church Nadiad

ગીતશાસ્ત્ર ૭૪

100%

હે ઈશ્વર, તમે અમને સદાને માટે કેમ તજી દીધા છે? તમારા ચારાનાં ઘેટાં વિરુદ્ધ તમારો કોપનો ધુમાડો કેમ ચઢે છે?

પુરાતન સમયમાં તમે લોકોને પસંદ કરીને ખરીદ્યા હતા, જેને તમે તમારા વતનનો વારસો થવાને છોડાવ્યા છે તેઓનું સ્મરણ કરો; અને સિયોન પર્વત, જ્યાં તમે રહો છો તેનું સ્મરણ કરો.

આવો અને આ ખંડિયેર તરફ નજર કરો, તમારા પવિત્રસ્થાનમાં શત્રુઓએ ઘણું નુકસાન કર્યું છે, તે જુઓ.

તમારા પવિત્રસ્થાનમાં તમારા શત્રુઓએ બુમરાણ કરી મૂકી છે; તેઓએ પોતાના ઝંડા ઊભા કર્યા છે.

જંગલનાં વૃક્ષો પર કુહાડા ઉગામનારાઓના જેવા તેઓ માલૂમ પડ્યા.

તેઓ કુહાડી તથા હથોડાથી તેનું તમામ નકશીદાર કામ તોડી નાખે છે.

તેઓએ તમારા પવિત્રસ્થાનને આગ લગાડી છે; તેઓએ તમારું નિવાસસ્થાન ભ્રષ્ટ કરીને ધૂળમાં મેળવી દીધું છે.

તેઓએ પોતાના હૃદયોમાં કહ્યું, “આપણે તે સર્વનો નાશ કરીશું.” તેઓએ દેશમાંના બધાં સભાસ્થાનોને બાળી મૂક્યાં છે.

અમે ઈશ્વર તરફથી એક પણ ચમત્કાર કે ચિહ્નો જોઈ શકતા નથી; ત્યાં કોઈ પ્રબોધક નથી અને આવું ક્યાં સુધી ચાલશે તે જાણનાર અમારામાં કોઈ નથી.

૧૦હે ઈશ્વર, ક્યાં સુધી અમારા શત્રુઓ તમારા નામનું અપમાન કરશે? શું શત્રુ હંમેશાં તમારા નામની નિંદા કરશે?

૧૧તમે તમારો હાથ, હા, તમારો જમણો હાથ, કેમ પાછો ખેંચો છો? તમારા ઉરમાંથી તમારો જમણો હાથ બહાર લાવીને તેઓનો નાશ કરો.

૧૨તોપણ પુરાતન કાળથી, ઈશ્વર મારા રાજા છે, પૃથ્વી પર ઉદ્ધાર કરનાર તે જ છે.

૧૩તમે તમારા મહાન પરાક્રમ વડે રાતા સમુદ્રના બે ભાગ પાડ્યા; વળી તમે પાણીમાં મહા અજગરનો માથાં ફોડી નાખ્યાં.

૧૪તમે મહા મગરમચ્છનાં માથાના કકડેકકડા કરી નાખ્યા; તમે તેને અરણ્યમાં રહેતા લોકોને ખાવાને આપ્યો.

૧૫ઝરાઓ તથા નાળાંઓમાં તમે રસ્તા પાડ્યા; તમે નિરંતર વહેતી નદીઓને સૂકવી નાખી.

૧૬દિવસ તમારો છે અને રાત પણ તમારી છે; તમે સૂર્ય તથા ચંદ્રને તેની જગ્યાએ સ્થિર કર્યા છે.

૧૭તમે પૃથ્વીની સીમાઓ સ્થાપન કરી છે; તમે ઉનાળો તથા શિયાળો ઠરાવ્યા.

૧૮હે યહોવાહ, શત્રુઓ તમારી મશ્કરી કરે છે અને મૂર્ખ લોકો તમારા નામની નિંદા કરે છે, તેનું સ્મરણ કરો.

૧૯તમારા કબૂતરનો જીવ હિંસક પશુઓનાં હાથમાં જવા દેશો નહિ; તમારા પીડિત લોકોને સદાને માટે ભૂલી જશો નહિ.

૨૦તમે કરેલા કરારનું સ્મરણ કરો, કેમ કે પૃથ્વીના અધર્મરૂપી અંધકારવાળા ભાગો બળાત્કારથી ભરપૂર છે.

૨૧દુ:ખી લોકોને બદનામ કરીને પાછા હઠાવતા નહિ; દરિદ્રીઓ અને લાચારો તમારા નામનું સ્તવન કરે.

૨૨હે ઈશ્વર, તમે ઊઠો તમારા પોતાના પક્ષની હિમાયત કરો; મૂર્ખ માણસો આખો દિવસ તમારું અપમાન કરે છે, તે યાદ કરો.

૨૩તમારા શત્રુઓની વાણી અને તમારી વિરુદ્ધ બંડ ઉઠાવનારાઓનો ઘોંઘાટ, નિત્ય ઊંચો ચઢે છે, તે તમે વીસરશો નહિ.

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.