પુનર્નિયમ ૧૪
૧તમે યહોવાહ તમારા ઈશ્વરનાં સંતાન છો. મૃત્યુ પામેલાંને લીધે તમારે તમારા શરીર પર ઘા ન કરવા, કે ચહેરા પર મૂંડન ન કરવું.
૨કેમ કે તમે યહોવાહ તમારા ઈશ્વરના પવિત્ર લોકો છો, પૃથ્વીની સપાટી પરના સર્વ લોકોમાંથી તમને યહોવાહે પોતાની ખાસ પ્રજા થવા માટે પસંદ કર્યા છે.
૩તમારે કોઈ અશુદ્ધ વસ્તુમાંથી ખાવું નહિ.
૪તમારે આ પ્રાણીઓને ખાવાં એટલે બળદ, ઘેટાં, બકરાં,
૫હરણ, સાબર, કાળિયાર, જંગલી બકરાં, પર્વતીય ઘેટાં.
૬જે કોઈ પ્રાણીની ખરી ફાટેલી હોય અને ફાટીને તેના બે ભાગ થઈ ગયેલા હોય, વાગોળતો હોય તેવાં પ્રાણીને તમે ખાઈ શકો.
૭પરંતુ, તમારે કેટલાંક પ્રાણીઓ જેવા કે, વાગોળતાં હોય પણ જેઓની ખરી બે ભાગમાં ફાટી ગયેલી હોય આ પ્રાણીઓ ન ખાવાં. એટલે કે ઊંટ, સસલું તથા શાફાન કેમ કે તેઓ વાગોળે છે પણ તેમની ખરી ફાટેલી નથી, તેઓ તમારા માટે અશુદ્ધ છે.
૮ડુક્કરની ખરી ફાટેલી હોય છે પણ તે વાગોળતું નથી એટલે તે તમારા માટે અશુદ્ધ છે. તેનું માંસ તમારે ખાવું નહિ અને તેમના મૃતદેહને તમારે સ્પર્શ કરવો નહિ.
૯જળચર પ્રાણીઓમાં તમારે ખાવાં તે આ છે: જેમને ભિંગડાં તથા પર હોય તે ખાવાં;
૧૦પરંતુ જેઓને પર કે ભિંગડાં ના હોય તેવા જળચરો તમારે ખાવાં નહિ, તેઓ તમારા માટે અશુદ્ધ છે.
૧૧બધાં જ શુદ્ધ પક્ષીઓ તમે ખાઈ શકો.
૧૨પણ આ પક્ષીઓમાંથી તમારે ખાવાં નહિ એટલે કે, ગરુડ, ગીધ, કુરર,
૧૩સમડી, બાજ તથા કલીલ તેની જુદી જાત પ્રમાણે.
૧૪પ્રત્યેક જાતના કાગડા,
૧૫શાહમૃગ, ચીબરી, સીગલ, તથા દરેક જાતના શકરા,
૧૬ચીબરી, ઘુવડ, રાજહંસ,
૧૭જળકૂકડી, ગીધ, કરઢોક;
૧૮દરેક જાતનું બગલું, હંસલો તથા ચામાચીડિયું.
૧૯બધાં પાંખવાળાં સર્પટિયાં તમારા માટે અશુદ્ધ છે. તે ન ખાવાય
૨૦પરંતુ તમે બધાં શુદ્ધ પક્ષીઓ ખાઈ શકો.
૨૧પોતાની રીતે મૃત્યુ પામેલા કોઈ પણ પશુનું માંસ તમારે ખાવું નહિ. તમારા નગરમાં રહેતા પરદેશીને ખાવા માટે આપવું હોય તો આપો. ભલે તે લોકો ખાય; અથવા કોઈ પરદેશીને તે વેચે તો ભલે વેચે. કેમ કે તમે તો યહોવાહ તમારા ઈશ્વરના પવિત્ર લોક છો. વળી બકરીના બચ્ચાંને માતાના દૂધમાં બાફવું નહિ.
૨૨પ્રતિવર્ષ તમારે તમારા ખેતરના બીજની બધી ઊપજમાંથી દશમો ભાગ જુદો રાખવો.
૨૩તેઓ જે જગ્યા પોતાના પવિત્રસ્થાન માટે પસંદ કરે ત્યાં તેઓની આગળ તમારા અનાજનો દશાંશ, તમારા દ્રાક્ષારસનો, તમારા તેલનો તથા તમારાં પશુ તથા ઘેટાં બકરાંના તથા અન્ય જાનવરોના પ્રથમજનિતને તમારે ખાવાં, કે જેથી તમે યહોવાહ તમારા ઈશ્વરનો આદર કરતાં શીખો.
૨૪જો મુસાફરી એટલી લાંબી હોય કે તે તું લઈ જઈ શકે નહિ, કેમ કે જ્યારે યહોવાહ ઈશ્વર તને આશીર્વાદ આપે, ત્યારે યહોવાહ તારા ઈશ્વર જે જગ્યા તેમના પવિત્રસ્થાન માટે પસંદ કરે તે તારાથી ઘણે દૂર હોય,
૨૫તો તમારે તે વેચીને, નાણાં તમારા હાથમાં લઈને યહોવાહ તમારા ઈશ્વર જે જગ્યા પસંદ કરે ત્યાં જવું.
૨૬અને તારું દિલ ચાહે તે ખરીદવા માટે તારે એ પૈસા વડે બળદો, ઘેટાં, દ્રાક્ષારસ અને મધ તમને જે કંઈ પસંદ પડે તે ખરીદવું અને તમારા ઈશ્વર યહોવાહ સમક્ષ તમારે અને તમારા કુટુંબે તે ખાઈને આનંદ કરવો;
૨૭તમારા ઘરના લેવીઓને તમારે કદી ભૂલવા જોઈએ નહિ. કારણ કે, તેઓને તમારી સાથે કોઈ પણ ભાગ કે વારસો મળેલો નથી.
૨૮દર ત્રીજે વર્ષને અંતે તે વર્ષની તમારી ઊપજનો દશમો ભાગ કાઢી લાવીને તમારા ઘરમાં તમારે સંગ્રહ કરવો;
૨૯તમારા ઘરમાં રહેનાર લેવી કે જેને તમારી સાથે કોઈ ભાગ કે વારસો મળ્યો નથી, તે તથા પરદેશી, અનાથ તથા વિધવા આવે અને ખાઈને તૃપ્ત થાય. એ માટે કે જે કામ તમે કરો છો તેમાં તમારા ઈશ્વર યહોવાહ તમને આશીર્વાદ આપે.
