અયૂબ ૨૧
૧પછી અયૂબે જવાબ આપ્યો અને કહ્યું;
૨“હું જે કહું તે ધ્યાનથી સાંભળો, અને મને દિલાસો આપો.
૩મારા બોલી રહ્યા પછી ભલે તમે મારી હાંસી ઉડાવજો; પણ હું બોલું છું ત્યાં સુધી ધીરજ રાખજો.
૪શું મારી ફરિયાદ માણસ સામે છે? હું શા માટે અધીરો ના થાઉં?
૫મારી સામે જોઈને આશ્ચર્ય પામો, અને તમારો હાથ તમારા મુખ પર મૂકો.
૬હું યાદ કરું છું ત્યારે ગભરાઈ જાઉં છું, હું ભયથી ધ્રૂજી ઊઠું છું.
૭શા માટે દુર્જનો લાંબુ જીવે છે? શા માટે તેઓ વૃદ્ધ થાય છે અને સફળ રહે છે?
૮દુર્જનો તેઓનાં સંતાનોને મોટાં થતાં જુએ છે. દુર્જનો પોતાનાં પૌત્ર-પૌત્રીઓને જોવા માટે જીવે છે.
૯તેઓનાં ઘર ભય વગર સુરક્ષિત હોય છે; અને ઈશ્વરની સોટી તેઓ પર પડતી નથી.
૧૦તેઓનો સાંઢ ગાયો સાથેના સંવનનમાં નિષ્ફળ થતો નથી; તેઓની ગાયો જન્મ આપે છે, મૃત વાછરડાઓ જન્મતા નથી.
૧૧તેઓ પોતાનાં સંતાનોને ઘેટાંનાં બચ્ચાંઓની જેમ બહાર રમવા મોકલે છે. તેઓનાં સંતાનો નાચે છે.
૧૨તેઓ ખંજરી તથા વીણા સાથે ગાય છે, અને વાંસળીના અવાજથી આનંદ પામે છે.
૧૩તેઓ પોતાના દિવસો સમૃદ્ધિમાં વિતાવે છે, અને એક પળમાં તેઓ શેઓલમાં ઊતરી જાય છે.
૧૪તેઓ ઈશ્વરને કહે છે, ‘અમારાથી દૂર જાઓ કેમ કે અમે તમારા માર્ગોનું ડહાપણ મેળવવા ઇચ્છતા નથી.
૧૫તેઓ કહે છે, સર્વશક્તિમાન ઈશ્વર કોણ છે કે, અમે તેમની સેવા કરીએ? તેમને પ્રાર્થના કરવાથી અમને શો લાભ થાય?
૧૬જુઓ, તેઓની સમૃદ્ધિ તેઓના પોતાના હાથમાં નથી? દુષ્ટોની સલાહ મારાથી દૂર છે.
૧૭દુષ્ટ લોકોનો દીવો કેટલીવાર ઓલવી નાખવામાં આવે છે? અને કેટલીવાર વિપત્તિ તેઓ પર આવી પડે છે? ઈશ્વર તેમના કોપથી કેટલીવાર તેમના ઉપર દુઃખો મોકલે છે?
૧૮તેઓ કેટલીવાર હવામાં ઊડી જતા ખૂંપરા જેવા વંટોળિયામાં ઊડતાં ફોતરા જેવા હોય છે?
૧૯તમે કહો છો કે, ‘ઈશ્વર તેઓના પાપની સજા તેઓનાં સંતાનોને કરે છે;’ તેમણે તેનો બદલો તેને જ આપવો જોઈએ કે, તેને જ ખબર પડે.
૨૦તેની પોતાની જ આંખો તેનો પોતાનો નાશ જુએ, અને સર્વશક્તિમાન ઈશ્વરના કોપનો પ્યાલો તેને જ પીવા દો.
૨૧તેના મૃત્યુ પછી એટલે તેના આયુષ્યની મર્યાદા અધવચથી કપાઈ ગયા પછી, તે કુટુંબમાં શો આનંદ રહે છે?
૨૨શું કોઈ ઈશ્વરને ડહાપણ શીખવી શકે? ઈશ્વર મહાન પુરુષોનો પણ ન્યાય કરે છે.
૨૩માણસ પૂરજોરમાં, તથા પૂરા સુખચેનમાં હોય ત્યારે મૃત્યુ પામે છે.
૨૪તેનું શરીર દૂધથી ભરપૂર હોય છે. અને તેનાં હાડકાં મજબૂત હોય ત્યારે તે મૃત્યુ પામે છે.
૨૫પરંતુ બીજો તો પોતાના જીવનમાં કષ્ટ ભોગવતો મૃત્યુ પામે છે, અને કદી સુખનો અનુભવ કરતો નથી.
૨૬તેઓ સરખી રીતે ધૂળમાં સૂઈ જાય છે. અને કીડાઓ તેઓને ઢાંકી દે છે.
૨૭જુઓ, હું તમારા વિચારો જાણું છું અને હું જાણું છું તમે મારું ખોટું કરવા માગો છો.
૨૮માટે તમે કહો છો, હવે રાજકુમારનું ઘર ક્યાં છે? દુષ્ટ માણસ રહે છે તે તંબુ ક્યાં છે?’
૨૯શું તમે કદી રસ્તે જનારાઓને પૂછ્યું? તમે તેઓના અનુભવની વાતો જાણતા નથી કે,
૩૦ભૂંડો માણસ સંકટના સમયે બચી જાય છે, અને તેઓને કોપને દિવસે બચાવવામાં આવે છે?
૩૧તેનો માર્ગ દુષ્ટ માણસને મોં પર કોણ કહી બતાવશે? તેણે જે કર્યું છે તેનો બદલો તેને કોણ આપશે?
૩૨તોપણ તેને કબર આગળ ઊંચકી જવામાં આવશે, અને તેની કબર પર પહેરો મૂકવામાં આવશે.
૩૩ખીણની માટીનાં ઢેફાં પણ તેને મીઠાં લાગશે, જેમ તેની અગાઉ અગણિત માણસો લઈ જવામાં આવ્યા હતા, તેમ સઘળાં માણસો તેની પાછળ જશે.
૩૪તમે શા માટે મને નકામું આશ્વાસન આપો છો? કેમ કે તમારા ઉત્તરો જોતાં તો તેમાં જુઠાણું જ રહેલું છે.”
