કરિંથીઓને પહેલો પત્ર ૧૬
૧હવે સંતોને માટે ફાળો એકઠો કરવા વિષે લખું છું; મેં ગલાતિયાના વિશ્વાસી સમુદાયને જે સૂચના આપી તે પ્રમાણે તમે પણ કરો.
૨હું આવું ત્યારે ધર્મદાન ઉઘરાવવા પડે નહિ, માટે અઠવાડિયાને પહેલે દિવસે તમારામાંના પ્રત્યેકે પોતાની કમાણી પ્રમાણે અમુક હિસ્સો રાખી મૂકવો.
૩જયારે હું આવીશ ત્યારે જેઓને તમે પસંદ કરશો, તેઓને પત્રો આપીને હું તમારાં દાન યરુશાલેમમાં પહોંચાડવા માટે મોકલીશ.
૪જો મારે પણ જવાનું યોગ્ય લાગશે તો તેઓ મારી સાથે આવશે.
૫હું મકદોનિયા થઈને જવાનો છું; તેથી મકદોનિયા પાર કર્યાં પછી હું તમારી પાસે આવીશ.
૬હું કદાચ તમારી સાથે રહીશ, અથવા શિયાળો પણ ગાળીશ કે, જેથી મારે જ્યાં જવાનું છે ત્યાં તમે મને પહોંચાડો.
૭કેમ કે હમણાં જતા તમને મળવાની મારી ઇચ્છા નથી; પણ જો ઈશ્વરની ઇચ્છા હશે તો હું થોડા સમય સુધી તમારી સાથે રહેવાની આશા રાખું છું.
૮પણ હું પચાસમાના પર્વ સુધી એફેસસમાં જ રહીશ;
૯કેમ કે એક મહાન કાર્ય સફળ થાય એવું દ્વાર મારે માટે ઉઘાડવામાં આવ્યું છે. જોકે વિરોધીઓ પણ ઘણાં છે.
૧૦પણ જો તિમોથી આવે તો તે તમારી સાથે નિર્ભય રહે, તે વિષે સંભાળ રાખજો, કેમ કે મારી માફક તે પણ પ્રભુનું કામ કરે છે.
૧૧એ માટે કોઈ તેને તુચ્છ ગણે નહીં; પણ શાંતિથી તમે તેને મારી પાસે પહોંચાડજો, કેમ કે ભાઈઓની સાથે તેના આવવાની પ્રતિક્ષા હું કરું છું.
૧૨હવે, ભાઈ આપોલસ વિષે મારે આટલું કહેવું છે કે ભાઈઓની સાથે તે તમારી પાસે આવે માટે મેં તેને બહુ વિનંતી કરી; પણ હમણાં ત્યાં આવવાની તેની ઇચ્છા નથી; પણ જયારે અનુકૂળ પ્રસંગ મળશે ત્યારે તે આવશે.
૧૩જાગૃત રહો, વિશ્વાસમાં સ્થિર રહો, સામર્થ્ય બતાવો, બળવાન થાઓ.
૧૪તમે જે કંઈ કરો તે પ્રેમથી કરો.
૧૫ભાઈઓ, તમે સ્તેફનાસના કુટુંબને જાણો છો કે, તે અખાયાનું પ્રથમફળ વિશ્વાસી છે, તેઓ સંતોની સેવામાં હંમેશા સક્રિય રહ્યા છે માટે હું તમને વિનંતી કરું છું કે,
૧૬તમે એવા માણસોને અને અન્ય જેઓ સેવામાં પરિશ્રમ કરે છે તેઓને પણ આધીન થાઓ.
૧૭સ્તેફનાસ તથા ફોર્તુનાતસ તથા અખાઈક્સના આવવાથી હું હર્ષ પામ્યો છું; કેમ કે તમારું જે કામ અધૂરું હતું તે તેઓએ પૂરું કર્યું છે.
૧૮તેઓએ મારા તથા તમારા આત્માને પણ ઉત્તેજિત કર્યા. માટે એવા માણસોને માન આપો.
૧૯આસિયાના વિશ્વાસી સમુદાય તમને સલામ પાઠવે છે. આકુલા, પ્રિસ્કા તથા તેઓના ઘરમાં મળતા વિશ્વાસી સમુદાયના સર્વ પ્રભુમાં તમને સલામ પાઠવે છે.
૨૦સર્વ ભાઈઓ પણ તમને સલામ પાઠવે છે. પવિત્ર ચુંબનથી એકબીજાને ક્ષેમકુશળ કહેજો.
૨૧હું પાઉલ મારે પોતાને હાથે તમને સલામ લખું છું.
૨૨જો કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર પ્રેમ કરતો ન હોય, તો તે શાપિત થાઓ.
૨૩આપણા પ્રભુ આવવાનાં છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા પર હો.
૨૪ખ્રિસ્ત ઈસુમાં મારો પ્રેમ તમો સર્વની સાથે હો. આમીન.
